ગાંધીનગરમાં મોડીરાત સુધી મંત્રીઓના બંગલાઓમાં ચહલ-પહલ રહી
પેનલ સાથે મુખ્યમંત્રી- પ્રદેશ પ્રમુખ સંગઠન મહામંત્રી દિલ્હીમાં: ત્રણ-ત્રણ નામોની પેનલ: મોડીરાત્રી સુધી દિલ્હી-ગાંધીનગર વચ્ચે ફોનકોલ ચાલું રહ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આગામી માસમાં જાહેર થનારી લોકસભા ચૂંટણી માટે ભાજપે હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ બનાવી છે અને ગુજરાત સહિતના રાજયોમાં પક્ષના નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ રાજય ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ત્રણ નામોની પેનલ સાથે હવે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી જઈને પક્ષની મધ્યસ્થ ચુંટણી સમીતીની બેઠકમાં આખરી પસંદગીના નામ પર મંજુરીની મહોર મારશે તથા કાલે સાંજ સુધીમાં ગુજરાત સહિત દેશની 120 બેઠકોના ઉમેદવારોની જાહેરાત થઈ જશે તેવા સંકેત છે. જે રીતે ભાજપે સેન્સ પ્રક્રિયા ઝડપી બનાવી તે જ રીતે પક્ષની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પર તમામ 26 લોકસભા બેઠક માટેની પેનલ પ્રક્રિયા ઝડપી બનાવી હતી. ગઈકાલે સાંજથીજ ગાંધીનગરમાં જે તે બેઠક સાથે જોડાયેલા રાજયના મંત્રી અને પ્રભારી મંત્રીના નિવાસે સંકલનની બેઠકો મોડીરાત્રી સુધી ચાલી હતી અને તેમાં નિરીક્ષકો મારફત જે સેન્સ લેવાઈ હતી તેના આધારે તૈયાર કરાયેલા રિપોર્ટ મુજબ પેનલ બનાવીને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપ નવા ચહેરાને ટિકીટ આપી રહી છે અને તેમાં અનેક આશ્ર્ચર્યકારક નામો પણ હોઈ શકે છે. પક્ષે આ ઉપરાંત દિલ્હીમાં પણ જે રીતે બેઠકો પર ઈન્ડીયા ગઠબંધને નામો જાહેર કર્યા છે તેની સામે હવે સીટીંગ સાંસદોની શકયતા અંગે ચકાસણી શરૂ કરી છે. ભાજપ મોવડીમંડળ જે બેઠકો પર ટફ સ્પર્ધા છે અને જે બેઠકો 2019માં ગુમાવી હતી તે તમામ માટે અગાઉથી જ તેના આધારે સંભવિત ઉમેદવારોના નામ નિશ્ર્ચિત કરી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે આ બેઠકો પર વિપક્ષના નામો જાહેર થયા બાદ આખરી નિર્ણય લેવાશે.
પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઈન્સ્ટન્ટ મંજુરી સાથે હવે પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિ આખરી પસંદગી કરશે
ગુજરાતના નામો પ્રથમ યાદીમાં આવી જશે
- Advertisement -
કેન્દ્રીય ચુંટણી સમીતીની બેઠક આજે રાત્રીથી જ ચાલુ થઈ જશે અને 120 બેઠકો પર જે ચર્ચાની તૈયારી છે તેમાં સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા હવે ઝડપથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં નામો જાહેર થવા લાગશે અને આવતીકાલ સાંજ સુધીમાં ગુજરાતના નામો જાહેર થઈ જાય તેવી શકયતા છે.