ગુજરાત સરકાર રાજયમાં દારૂબંધીના કાયદાને વધારે કડક બનાવવા માટે સજ્જ
રાજય વિધાનસભાના સત્રમાં 29 ફેબ્રુઆરી સુધીમાં બિલ રજૂ કરાય તેવી શક્યતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર રાજયમાં દારૂબંધીના કાયદાને વધારે કડક બનાવવા માટે સજ્જ છે. રાજયના નશાબંધી અને આબકારી વિભાગે હાલના દારૂબંધી કાયદાને વધુ કડક બનાવવા માટે તેમાં મોટા સુધારાની દરખાસ્ત કરી છે. આ દરખાસ્ત મુજબ કોઈપણ દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને કાયમી માટે જપ્ત કરવામાં આવશે અને તેની તાત્કાલિક હરાજી કરવામાં આવશે. આવા વાહનોની હરાજી દ્વારા એકઠા કરવામાં આવેલા રૂપિયા રાજયની તિજોરીમાં જમા કરવામાં આવશે, તેમ નામ જાહેર ન કરવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું. રાજયના ગૃહ, લો એન્ડ લેજિસ્લેટિવ અને સંસદીય બાબતોના વિભાગો એમ ત્રણ મુખ્ય વિભાગો દ્વારા સુધારા બિલના ડ્રાફટની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ત્રણેય વિભોગ દ્વારા લીલી ઝંડી મળી ગયા બાદ બિલ હાલમાં ચાલી રહેલા રાજય વિધાનસભાના સત્રમાં 29 ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં સરકારના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, લોકો અને બુટલેગરો દ્વારા દર વર્ષે સેંકડો વાહનો દ્વારા રાજયમાં દારૂ લાવવામાં આવે છે. જયારે આવા વાહનો પકડાય છે ત્યારે તેને જપ્ત કરવામાં આવે છે. કેટલાક કેસોમાં આરોપીઓ કોર્ટના આદેશો સાથે વાહન છોડવામાં સફળ થાય છે અને બાદમાં ફરીથી ગેરકાયદે વેપાર માટે તેનો ઉપયોગ કરે છે. એવા કિસ્સાઓ પણ છે જેમાં આરોપીઓ વાહનનો દાવો કરતા નથી, ત્યારે આવા વાહનોનો નિકાલ કરવામાં લાંબો સમય લાગે છે. આવા વાહનોમાં ટુ-વ્હિલર, ફોર વ્હિલર અને ટ્રક જેવા વાહનોનો સમાવેશ થાય છે. તેથી જપ્ત કરાયેલા વાહનોને રાખવા પણ મોટી સમસ્યા હોય છે કેમ કે તેમાં મોટી જગ્યાની જરૂર પડે છે. તેથી સરકારે દારૂ બંધી કાયદામાં સુધારો કરીને અને કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી જપ્ત કરાયેલા વાહનની હરાજી કરવાની સરકારને સત્તા આપીને આ મુદ્દાને ઉકેલવાની યોજના બનાવી છે.
સૂત્રએ જણાવ્યું હતું કે, જો આ નવો કાયદો આવી જશે તો તે બુટલેગરો અને તેમની પાસેથી દારૂ ખરીદનારા અને તેની હેરાફેરી કરનારાઓ માટે વધારે મુશ્કેલી ઊભી કરશે. સરકાર 29 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્ર સમાપ્ત થાય તે પહેલાં સુધારા બિલ લાવવા ઈચ્છે છે. આ માટે સરકાર વટહુકમનો વિકલ્પ પણ અપનાવી શકે છે. અગાઉ ફેબ્રુઆરી 2017માં ગુજરાત સરકારે દારૂના ખરીદ, વેચાણ અને ટ્રાન્સપોર્ટેશનમાં સામેલ લોકો માટે દંડ તેમજ જેલની સજામાં નોંધપાત્ર વધારો કરીને દારૂના કાયદાને કડક બનાવવાનું બિલ પસાર કર્યું હતું. દારૂનું વેચાણ કરનારાઓ માટે જેલની સજા ત્રણ વર્ષથી વધારીને 10 વર્ષની કરવામાં આવી હતી.