રાજકોટમાં 800 મીટરના રૂટમાં 20થી વધુ સ્ટેજ તૈયાર કરાશે; ઈખની 6 જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 તારીખના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. એઇમ્સથી રાજકોટ આવી જુના એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી 800 મીટરના રૂટ પર ભવ્ય રોડ શો યોજવાના છે. રોડ શોના રૂટ પર કુલ 20થી વધુ સ્ટેજ તૈયાર કરવામાં આવશે. જેના પરથી ભાજપના અલગ-અલગ મોરચા તેમજ શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં ગુજરાતના પ્રખ્યાત ગરબા, તલવાર રાસ, રબારી પહેરવેશ સાથે છત્રી ડાન્સ અને નાસિક ઢોલ સહિત વિવિધ અલગ-અલગ રંગો પ્રધાનમંત્રીને આવકારતા નજરે પડશે.
નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ ત્રીજી વખત રાજકોટ શહેરમાં રોડ શો યોજી રહ્યા છે. આ અગાઉ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે 29 જૂન 2017ના રોજ આજીડેમથી એરપોર્ટ સુધીનો રોડ શો યોજવામાં આવ્યો હતો. જે બાદ વર્ષ 2022માં પણ બીજી વખત એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજ્યો હતો અને હવે ત્રીજી વખત 25 ફેબ્રુઆરીના રોજ રોડ શો યોજશે.
પ્રાપ્ત વિગત મુજબ લોકસભા ચૂંટણી પૂર્વે આગામી 25 ફેબ્રુઆરીનાં રોજ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. જે અંતર્ગત પ્રધાનમંત્રીને ઉષ્માભેર આવકારવા તેમજ તેમનું ભવ્ય સ્વાગત કરવા જુના એરપોર્ટથી સભાસ્થળ રેસકોર્ષ સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજે જુના એરપોર્ટ ખાતે મેયર સહિતના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો તેમજ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી સમગ્ર આયોજન અંગે ચર્ચા કરી હતી.
- Advertisement -
રાજકોટમાં વડાપ્રધાન મોદીનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ
વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 2:10 કલાકે દ્વારકા હેલીપેડ પહોંચી, ત્યાંથી હેલીકોપ્ટર મારફતે રાજકોટ એઈમ્સમાં આવવા રવાના થશે. અંદાજે 3:30 કલાકે એઈમ્સ આવી પહોંચ્યા બાદ 3:30થી 3:45 સુધી એઈમ્સના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરશે. જે બાદ તેઓ 3:55 કલાકે એઈમ્સના હેલીપેડથી હેલીકોપ્ટર મારફતે નીકળી 4:20 કલાકે જુના એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી બપોરના 4:25 કલાકે વડાપ્રધાન મોદીના ભવ્ય રોડ શોનો પ્રારંભ થશે. 800 મીટરનો આ રોડ શો યોજાશે. બાદમાં 4:45 કલાકે વડાપ્રધાન મોદી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચી રૂ.5000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરી જંગી જનસભાને સંબોધન કરશે.