જાડેજા-રોહિતે અંગ્રેજોને પરસેવો પડાવ્યો
બીજા સેશનમાં ભારતે એકપણ વિકેટ ગુમાવી નહીં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ટેસ્ટના પ્રથમ દિવસે ટી બ્રેક સુધીમાં ભારતે 3 વિકેટે 185 રન બનાવી લીધા છે. બીજું સત્ર સંપૂર્ણ રીતે ટીમ ઈન્ડિયાના નામે રહ્યું. ટીમે સેશનમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 92 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા 68 રન બનાવીને અને રોહિત શર્મા 97 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારતે 33 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી રોહિત અને જાડેજાએ 152 રનની ભાગીદારી કરી છે. ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 2 અને ટોમ હાર્ટલીએ એક વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયાએ બીજા સેશનમાં 93/3ના સ્કોર સાથે આગળ વધી. રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ 100 રનની ભાગીદારી કરી હતી. થોડા સમય બાદ જાડેજાએ તેની ટેસ્ટ કારકિર્દીની 21મી ફિફ્ટી ફટકારી હતી.
સત્રના અંત સુધીમાં ટીમનો સ્કોર 185/3 હતો. રોહિત 97 અને જાડેજા 68 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. ભારતે સેશનમાં 92 રન બનાવ્યા હતા અને એક પણ વિકેટ ગુમાવી ન હતી. રોહિત શર્માએ 46મી ઓવરમાં જો રૂટ સામે સિક્સર ફટકારી હતી. તેણે લોંગ ઓન તરફ ઓવરના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. આ તેની ઇનિંગની બીજી સિક્સર હતી. આ સાથે રોહિત ટેસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોની કરતા વધુ સિક્સર મારનાર ભારતીય બન્યો છે. ધોનીના નામે 78 છગ્ગા છે. હવે માત્ર વીરેન્દ્ર સેહવાગ રોહિતથી આગળ છે જેના નામે 91 સિક્સર છે.