સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાંથી રામભક્તો માટે આસ્થા ટ્રેન અયોધ્યા જશે
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં ગત તા. 22 જાન્યુઆરી 2024ના રોજ રામમંદિરમાં રામલલ્લાનો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારે તમામ રામભક્તોને અયોધ્યા લઈ જવા માટે દરેક લોકસભા બેઠકમાંથી એક ટ્રેન દોડાવવામાં આવી રહી છે ત્યારે રેલવે દ્વારા અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, સુરત અને રાજકોટથી પણ આસ્થા ટ્રેન દોડાવવામાં આવી રહી છે. રાજકોટથી સમગ્ર સૌરાષ્ટ્રના રામભક્ત ભાઈઓ અને બહેનોને અયોધ્યા દર્શન કરાવવા માટે પહેલી આસ્થા ટ્રેન ગઈકાલે સુરેન્દ્રનગરથી 8-30 કલાકે રવાના થઈ હતી. આ આસ્થા ટ્રેનમાં 1344 રામભક્તોને અયોધ્યા લઈ જવામાં આવી રહ્યા છે તેવું સૌરાષ્ટ્ર લોકસભા ઈન્ચાર્જ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું. આસ્થા ટ્રેનમાં ખાવા-પીવાની પણ વ્યવસ્થા રામભક્તો માટે કરવામાં આવી છે અને 4થા દિવસે રામભક્તોને અયોધ્યાથી પરત લાવવામાં આવે છે.
આ આસ્થા ટ્રેન તા. 16ના રોજ રાજકોટથી, તા. 17ના જૂનાગઢ, તા. 19ના ભાવનગર, તા. 20ના જામનગર, તા. 21ના અમરેલી, તા. 24ના કચ્છ અને તા. 25ના રોજ પોરબંદરથી અયોધ્યા જવા રવાના થશે. આમ અયોધ્યા ખાતે પણ રામભક્તો માટે રહેવા-જમવાની સુવિધા પણ કરવામાં આવી છે. દરેક લોકસભા દીઠ એક ટ્રેન અયોધ્યા જવા નીકળશે. આ માટે 6 લોકોની પ્રદેશ દ્વારા નિમણુંક કરાઈ છે જેમાં ગોરધનભાઈ ઝડફીયાની મુખ્ય ઇન્ચાર્જ તરીકે, ડો. અનિલ પટેલને રેલવે વ્યવસ્થાની જવાબદારી અને સૌરાષ્ટ્રમાંથી કમલેશભાઈ મિરાણીને તેમજ ઉત્તર-દક્ષિણ- મધ્ય ગુજરાતમાંથી જગદીશ પટેલ અને સુધીરભાઈ લાલપુરવાળાને જવાબદારી સોંપવામાં આવી છે. આમ આસ્થા ટ્રેન દ્વારા તમામ રામભક્તોને અયોધ્યા લઈ જવામાં આવી રહ્યા છે.