‘મૂડ ઓફ ધ નેશન’ ઓપિનિયન પોલમાં રસપ્રદ સર્વે
તમામ લોકસભા સંસદીય મતક્ષેત્રમાંથી 35801 લોકોને સર્વેમાં સામેલ કરાયા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં આવતા બે મહિનામાં લોકસભાની સામાન્ય ચૂંટણી થવાની છે અને તેમાં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનું પુનરાગમન થવાના તારણો સર્વેમાં બહાર આવી રહ્યા છે ત્યારે હવે વડાપ્રધાન મોદીના રાજકીય ઉતરાધિકારી કોણ તે વિશે સર્વે કરાયો હતો અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ સૌથી આગળ રહ્યું છે.
મુડ ઓફ ધ નેશન ઓપિનિયન પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી વિશે લોકોને સવાલ કરવામાં આવ્યો હતો. સર્વેના તારણો મુજબ 29% લોકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સૌથી શ્રેષ્ઠ રાજકીય ઉતરાધિકારી તરીકે ગણાવ્યા હતા જયારે 25% લોકોએ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સમર્થન કર્યુ હતું. જયારે 16% લોકોએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને મોદીના ઉતરાધિકારી માન્યા હતા.
આ ઓપિનિયન પોલમાં લોકસભાની આગામી ચૂંટણી વિશે પણ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તમામ લોકસભા સંસદીય મતક્ષેત્રમાંથી 35801 લોકોને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતા. 15 ડિસે.થી 28 જાન્યુ. સુધી આ સર્વે ચાલ્યો હતો. 2014માં સૌપ્રથમ વખત શાસનધુરા સંભાળ્યા બાદ વિકાસ અને સુશાસનની રાજનીતિ સાથે સતત બે ટર્મ વડાપ્રધાન મોદીએ સત્તા હાંસલ કરી હતી અને આ વખતે પણ તેમને બહુમતી મળવાની શકયતા દર્શાવવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય નેતા તરીકેનું સ્થાન ધરાવે જ છે. મોદીની લોકપ્રિયતાની સાથોસાથ અમિત શાહની રાજકીય રણનીતિથી ભાજપની જીત સરળ બનતી રહી છે. આજે તેમની વિધાનસભાની ચૂંટણીમાં આ જોડીની કમાલ ગણવામાં આવી હતી. અમિત શાહને ભાજપના રાજકીય ચાણકય ગણવામાં આવે છે.
યોગી આદિત્યનાથને લાગે વળગે છે ત્યાં સુધી હિન્દુત્વના પ્રખર પ્રચારક અને ગુનેગારો તથા માફીયા ગેંગોને ખત્મ કરવાના પગલાથી ખુબ ઝડપી લોકપ્રિયતા હાંસલ કરી છે. ઉતરપ્રદેશમાં ભાજપનું નસીબ બદલાવવામાં તેમની મુખ્ય ભૂમિકા છે.
નીતિન ગડકરી માત્ર ભાજપમાં જ નહીં વિપક્ષી નેતાઓના પણ સ્વીકૃત નેતાની છાપ ધરાવે છે. કોઇપણ સમસ્યાના ઉકેલમાં તેઓ રાજકીય કુનેહ ધરાવે છે. પરિવહન મંત્રી તરીકે તેઓએ દેશના માર્ગોની સીકલ બદલાવી નાખી છે અને હાઇવે નેટવર્કનું વિસ્તરણ કર્યુ છે.