-વર્ષોથી ગ્રીનકાર્ડની રાહ જોતા ભારતના પ્રોફેશનલ આઈટીને લાભ
અમેરિકામાં રહેતા એચ-1બી વિઝાધારકો માટે રાહતના સમાચાર છે. દ્વિપક્ષીય સમજુતી પ્રમાણે લગભગ એક લાખ એચ-4 વિઝાધારકોને આપમેળે કામ કરવાનો અધિકાર મળશે. જેઓ અમુક કેટેગરીના એચ-1બી વિઝાધારકોના જીવનસાથી અને બાળકો છે.
- Advertisement -
અમેરિકાની સેનેટમાં રિપબ્લીક અને ડેમોક્રેટીક પક્ષ વચ્ચે લાંબી ચર્ચા પછી રવિવારે જાહેર કરાયેલા નેશનલ સિકયોરીટી એગ્રીમેન્ટમાં એચ-1બી વિઝાધારકોના નિર્ધારિત વય વટાવી ચૂકેલા અઢી લાખ બાળકોની સમસ્યાનો પણ ઉકેલ આવશે. જેનો મોટો લાભ ભારતીયોને મળશે.
ખાસ કરીને લાંબા સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો આઈટી પ્રોફેશનલ્સ માટે આ સારા સમાચાર છે. કારણ કે તેમના પતિ કે પત્ની કામ કરી શકતા નથી અને નિર્ધારિત વય વટાવી હોવાના કારણે તેમના બાળકોને પણ અમેરિકા છોડવાની આશંકા ઉભી થઈ છે.
ભારતીય-અમેરિકન પ્રવાસીઓ માટે વધુ એક સારા સમાચાર છે. નવા બિલ મુજબ લાંબી મુદતના એચ-1બી વિઝાધારકોના નિર્ધારિત વય વટાવી ચૂકેલા બાળકોને સુરક્ષા આપવામાં આવી છે. જેમાં તેમની એચ-4 સ્થિતિને આઠ વર્ષ સુધી યથાવત રાખવામાં આવશે. બિલમાં નિશ્ચિત કરાયું છે કે, આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે વધુ 18 હજાર નોકરી આધારિત ગ્રીન કાર્ડ જારી કરવામાં આવશે.
- Advertisement -
એનો અર્થ એ થયો કે આગામી પાંચ વર્ષમાં અમેરિકા દર વર્ષે 1,58,000 રોજગારી આધારીત ગ્રીન કાર્ડ જારી કરશે. બિલ દર વર્ષે 25 હજાર કે-1, કે-2 અને કે-3 અપ્રવાસી વિઝાધારકોને કામ કરવાનો અધિકાર આપે છે. તેની સાથે દર વર્ષે લગભગ એક લાખ એચ-4 વિઝા જારી કરવામાં આવશે.
અમેરિકાના પ્રેસીડેન્ટ જો બાઈડને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘લાંબા સમયથી ઈમીગ્રેશન સીસ્ટમમાં ઘણી ક્ષતિઓ ઉભી થઈ છે. તેને સુધારવાનો સમય પાકી ગયો છે તેને લીધે દેશ અને આપણી સરહદો વધુ સુરક્ષિત બનશે, લોકોને કાનુની ઈમીગ્રેશન મેળવતી વખતે સમાન અધિકાર મળશે.’