આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે પોલીસ તંત્રમાં બદલીઓનો દોર, રાજકોટ એસઓજી અને સાયબર સેલના પીઆઇની પણ બદલી
ખાસ-ખબર સંવાદદાતા
આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે આચારસંહિતાના અમલ કરાવવા માટે રાજ્યના પોલીસ તંત્રે પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સબ ઇન્સ્પેક્ટરોની બદલીનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 232 પોલીસ ઇન્સ્પેક્ટરની અને 551 સબ ઇન્સ્પેક્ટરની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરના 5 ઇન્સ્પેક્ટરની બદલી કરાઇ છે. જેની સામે 4 ઇન્સ્પેક્ટરની રાજકોટ મુકાયા છે. જ્યારે શહેરના 23 સબ ઇન્સ્પેક્ટરની બદલી સામે 25 સબ ઇન્સ્પેક્ટર મુકાયા છે. બુધવારે મોડી રાતે જાહેર કરાયેલા બદલીના લિસ્ટમાં રાજકોટ આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડા, પીસીબીના એમ.બી.નકુમ, મહિલા પોલીસ મથકના એન.એચ.મોર, એસઓજીના જે.ડી.ઝાલા, સાયબર ક્રાઇમના કે.જે.રાણાનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ બદલી થઇને આવેલાઓમાં અમરેલીના પીઆઇ જે.એમ.કૈલા, સુરેન્દ્રનગરના એસ.એમ.જાડેજા, સુરત સિટીના જી.એ.પટેલ, એસીબીના આઇ.વી.રબારીનો સમાવેશ થાય છે. તદઉપરાંત રાજકોટ શહેરના 5 મહિલા સહિત 23 સબ ઇન્સ્પેક્ટરની વિવિધ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. જેની સામે રાજકોટ શહેરમાં 11 મહિલા સહિત 25 સબ ઇન્સ્પેક્ટર મુકાયા છે. રાજકોટ રૂરલ પોલીસના 3 પીઆઇની બદલી થઇ છે. જેમાં એ.બી.ગોહિલ, રાજકોટ વિભાગના એમ.પી.વાળા, કે.કે.જાડેજાનો સમાવેશ થાય છે. ત્રણ અધિકારીની બદલી સામે એક મહિલા સહિત ચાર ઇન્સ્પેક્ટરની રાજકોટ રૂરલ પોલીસમાં નિમણૂક આપવામાં આવી છે. તેમજ બે મહિલા સહિત 9 સબ ઇન્સ્પેક્ટરની જિલ્લા પોલીસમાંથી બદલી થઇ છે. જેની સામે ત્રણ મહિલા સહિત 13 સબ ઇન્સ્પેક્ટર મુકાયા છે.