ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા તાલુકાના વાવેરા ગામ નજીક શુક્રવારે ત્રણ લોકો પર હુમલો કરનાર સિંહણનું મોત થતાં વન વિભાગે તપાસ હાથ ધરી છે. સિંહણે એક ખેત મજૂર યુવાન અને બાજુની વાડીમાં કામ કરતા એક મહિલા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ સંધ્યા સમયે ધાર્મિક સ્થળ પરથી પરત ફરતા એક વ્યક્તિ પર ફરી હુમલો કર્યાની ધટના બની હતી. સિંહણના હુમલાને કારણે વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જેથી વન વિભાગ ટીમે આ વિસ્તારને કોર્ડન કરી સિંહણને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી. સતત 10 કલાકની જહેમત બાદ સિંહણને એનિમલ ડોક્ટરો દ્વારા બેભાન કરી પાંજરે પુરવામા વન વિભાગને સફળતા મળી હતી. જે બાદ સિંહણનુ મોત થતાં વન વિભાગે સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપ્યા છે. આ સિહણનુ ત્રણ દિવસ બાદ મોત થતાં વન વિભાગ દ્વારા મોતનુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામા આવી છે.