ભારત સરકારે જાહેરાત કરી છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવશે. મરણોપરાંત ભારત રત્નથી પરિવારને શું સુવિધા આપવામાં આવે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ભારત સરકારે જાહેરાત કરી છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવશે. બિહારની રાજનીતિમાં કર્પૂરી ઠાકુરને જનનાયકનો દરજ્જો આપવામાં આવ્યો છે. જનનાયક કર્પૂરી ઠાકુરનું 17 ફેબ્રુઆરી 1988ના રોજ મૃત્યુ થયું હતું. મરણોપરાંત ભારત રત્નથી પરિવારને શું સુવિધા આપવામાં આવે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
ભારત રત્ન કોને આપવામાં આવે છે?
જે લોકોએ દેશમાં કોઈપણ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હોય તેમને આ સમ્માન આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું હોય તેમને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવે છે. 2 જાન્યુઆરી 1954ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે ભારત રત્ન આપવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલા સી.રાજગોપાલાચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સીવી રમનને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. તે સમયે માત્ર જીવિત વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવતો હતો. એક વર્ષમાં માત્ર ત્રણ લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે.
સૌથી પહેલા મરણોપરાંત ભારત રત્ન ક્યારે આપવામાં આવ્યો હતો?
વર્ષ 1955માં ભારત રત્ન આપવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો અને મરણોપરાંતથી સમ્માનિત કરવાની જોગવાઈ કરવામાં આવી. આ ક્ષેત્રે સૌથી પહેલા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો હતો. વર્ષ 1966માં તેમને આ સમ્માન આપવામાં આવ્યું, તે પહેલા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું તાશકંદમાં મૃત્યુ થઈ ગયું હતું. અત્યાર સુધામાં 16 લોકોને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો છે. આ લિસ્ટમાં કર્પૂરી ઠાકુરનું નામ 17માં નંબરે છે.
ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિને શું મળે છે?
ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિને કેન્દ્ર સરકાર તરફથી એક પ્રમાણપત્ર અને પદક આપવામાં આવે છે. આ સમ્માનની સાથે રકમ મળતી નથી, પરંતુ સરકાર તરફથી અનેક સુવિધા આપવામાં આવે છે.
- Advertisement -
મરણોપરાંત સમ્માન મળે તો પરિવારને શું સુવિધા મળે છે?
કોઈ વ્યક્તિને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવે તો તે વ્યક્તિનું નામ ભારત રત્નથી સમ્માનિત તેવું કહીને લેવામાં આવે છે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 18 (1) અનુસાર પુરસ્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિ પોતાના નામનો ઉપસર્ગ તથા પ્રત્યય તરીકે ‘ભારત રત્ન’નો ઉપયોગ ના કરી શકે. વ્યક્તિ પોતાના બાયોડેટા, વિઝીટિંગ કાર્ડ, લેટર હેડમાં ‘રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત ભારત રત્ન’ તેવો ઉલ્લેખ કરી શકે છે. પરિવારની સુવિધાઓ બાબતે કોઈ લેખિત નિર્દેશ જાહેર કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિના પરિવારજનોનું સમ્માન કરે છે અને તેમને સુવિધા આપે છે.