રોકડ, કાર, મોબાઈલ સહિત રૂપિયા 14.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં રાજસ્થાનના વેપારીને સસ્તું સોનું અપાવી દેવાના બહાને 7 લાખની લૂંટ ચલાવી નાસી જતાં આ આરોપી રાજકોટ તરફ આવતા હોવાની બાતમી આધારે શહેર એસઓજીએ ચાર શખ્સોને દબોચી લઈ રોકડ, કાર, મોબાઈલ સહિત 14.61 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના એગ્રોના વેપારીને 25 ટકા સસ્તું સોનું અપાવી દેવાના બહાને ભુજ બોલાવી ચાર શખ્સોએ જુદી જુદી જગ્યાએ ફેરવી બાદમાં મોકો જોઈને છરી દેખાડી રોકડ 7 લાખ રૂપિયા લૂંટી લીધા હતા આ બનાવ અંગે ભુજ બી ડિવિજન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાકાબંધી કરી હતી અને અન્ય જિલ્લાઓને પણ જાણ કરી હતી દરમિયાન રાજકોટ એસઓજી પીઆઈ જે ડી ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ઇન્દ્રસિહ જાડેજા, દિગ્વિજયસિહ ગોહિલ, હાર્દિકસિહ પરમાર સહિતે આ લૂંટને અંજામ આપનાર ચાર શખ્સો રાજકોટ તરફ આવતા હોવાની બાતમી આધારે વોચ ગોઠવી લૂંટમાં સંડોવાયેલ ભુજના રમજાનશા કાસમશા શેખ, અમનશા જમાલશા શેખ, અલીશા કરીમશા શેખ અને ઇશભશા અલીશા શેખને દબોચી લઈ રોકડ 2.35 લાખ, 5 મોબાઈલ અને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ કાર સહિત 14.61 લાખનો મુદામાલ કબજે કર્યો છે પકડાયેલ ચાર આરોપી પૈકી અમનશા અગાઉ ભુજ અને અંજારમાં પાંચ ગુનામાં, અલીશા ભુજ-માધાપરમાં ચાર ગુનામાં અને રમજાનશા ભુજ-માધાપરમાં બે ગુનામાં પકડાઈ ચૂક્યો છે.