ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરી 2024ના રોજ રાજ્યમાં રજા જાહેર કરી છે. તે દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. સાથે જ ઉત્તર પ્રદેશની તમામ દારૂની દુકાનો પણ બંધ રહેશે. આ દિવસે જ નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને છજજના સરસંઘચાલક મોહન ભાગવત પણ ભાગ લેશે. દેશભરના હજારો નેતાઓ, સંતો અને કલાકારોને નિમંત્રણ પત્રો મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ શાળા-કોલેજોને 22 જાન્યુઆરી 2024ના રોજ રજા જાહેર કરવાનો આદેશ આપ્યો છે. તેમણે મંગળવારે (9 જાન્યુઆરી, 2024) આ આદેશ આપ્યો હતો. સાથે જ તે દિવસને ‘ડ્રાય ડે’ જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે તે દિવસે આખા રાજ્યમાં ક્યાંય દારૂનું વેચાણ નહીં થાય. ઉત્તર પ્રદેશમાં રજા જાહેર કરવા અંગે પહેલેથી જ આદેશ જારી કરી દેવામાં આવ્યો છે, હવે તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. યુપી જ નહીં છત્તીસગઢમાં પણ તે દિવસે દારૂની દુકાનો નહીં ખુલે અને તેની ખરીદ-વેચાણ બંધ રહેશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બપોરના સમયે પ્રાણપ્રતિષ્ઠા કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ પાવન અવસરે 10,000 જેટલા વીઆઈપી મહેમાનો આવે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. સુરક્ષાને લઈને સરકાર પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સમયગાળા દરમિયાન દેશભરના વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવનાર છે. અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકીના નામ પર એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ ખોલવામાં આવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથ પોતે અયોધ્યામાં તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે.
યોગી સરકારની યોજના છે કે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહને ‘રાષ્ટ્રીય તહેવાર’ તરીકે ઉજવવામાં આવે. અયોધ્યામાં ‘કુંભ મોડલ’ના અમલનો આદેશ આપતી વખતે કહેવામાં આવ્યું છે કે મહેમાનોના સ્વાગત, સજાવટ અને આતશબાજીની વ્યવસ્થા કરવામાં આવે, તમામ સરકારી ઇમારતોને સુશોભિત કરવામાં આવે. મહેમાનો માટે વિશ્રામ સ્થળો અગાઉથી નક્કી કરવામાં આવશે.