– પરંતુ જેના સિદ્ધ થયેલા કાર્યને જ બીજા જાણે છે તે જ વિદ્વાન કહેવાય છે
રેલવેમાં નોકરી કરતા એક કર્મચારી પર ચોરીનો આરોપ મૂકીને રેલવેના ધોળિયા અધિકારીએ કોર્ટમાં કેસ કર્યો. આ કેસમાં બચાવ પક્ષે વલ્લભભાઈ રોકાયેલા હતા. ધોળિયો અધિકારી એની નીચેના કર્મચારીને હેરાન કરવા માંગતો હતો, એટલે એને ખોટા કેસમાં ફસાવ્યો હતો. અને હવે આ કર્મચારીને કોર્ટ મોટી સજા કરે એવું ઈચ્છતો હતો. અગાઉ ક્યારેય આ કર્મચારીને કોઈ સજા થઈ હોય એવો પુરાવો મળી જાય તો એના આધારે મોટી સજા કરાવી શકાય.
ધોળિયા અધિકારીએ એના કર્મચારીને સમજાવ્યું કે, તું લેખિતમાં એવી કબૂલાત આપ કે, તને અગાઉ જેલની સજા થઈ ચૂકી છે. તો હું તને એના આધારે સાવ હળવી સજા કરાવીને પાછો નોકરી પર રખાવી દઉં. ભોળો કર્મચારી એના અધિકારીની ચાલ સમજી શક્યો નહીં એટલે એ તો એનો અધિકારી જેમ કહે એમ લખી આપવા માટે તૈયાર થઈ ગયો. પણ લખાણ આપતા પહેલા એણે વલ્લભભાઈને આ બધી વાત કરી. વલ્લભભાઈએ એ કર્મચારીની જન્મતારીખનો દાખલો મેળવ્યો. કર્મચારીની જે જન્મતારીખ દાખલામાં લખી હતી, તે તારીખે પૂરી થતી હોય એવી નવ મહિનાની જેલની સજા ભોગવી છે; એવું લખાણ લખીને અધિકારીને આપી દીધું. અધિકારીને આ લખાણ આપ્યું એટલે એ તો રાજીનો રેડ થઈ ગયો. અગાઉ સજા થયાનો પૂરાવો મળી ગયાના આનંદમાં એ લખાણમાં લખેલી તારીખો વાંચવાનું ભૂલી જ ગયો. કોર્ટમાં કેસ ચાલ્યો અને અપીલ પણ થઈ. અપીલની સુનાવણી વખતે સરકારી વકીલે આરોપીને અગાઉ નવ માસની જેલની સજા થયેલી છે, એવું આરોપીએ આપેલું કબૂલાતનામું કોર્ટ સમક્ષ રજૂ કર્યું. વલ્લભભાઈ પોતાની દલીલો રજૂ કરવા ઊભા થયા. એણે પોતાના અસીલને પહેલેથી જ શું બોલવું એ સમજાવી રાખેલું હતું.
અસીલને પહેલો જ પ્રશ્ન કર્યો, અલ્યા, તને અગાઉ જેલની સજા થયેલી હતી ? અસીલે ‘હા’ પાડી એટલે બીજો પ્રશ્ન પૂછ્યો, કેટલા સમયની સજા થયેલી હતી? અસીલે કહ્યું, નવ માસની. આરોપીની આ કબૂલાત સાંભળીને ગોરા અધિકારી અને સરકારી વકીલ આનંદમાં આવી ગયા. વલ્લભભાઈએ પોતાના અસીલને પૂછ્યું, તને આ નવ માસની સજા ક્યા ગુના બદલ થયેલી હતી? અસીલે તો ઠાવકાઇથી જવાબ આપ્યો, મને એ ગુના બદલ સજા થયેલી, જે ગુનાની સજા તમને પણ થયેલી, આ સરકારી વકીલસાહેબને પણ થયેલી અને જજસાહેબને પણ થયેલી. મને નવ માસ સુધી માના ગર્ભમાં રહેવાના ગુનાની સજા થયેલી હતી. વાત સાંભળીને બધાં હસી પડ્યા. પછી વલ્લભભાઈ પટેલે આરોપીના જન્મતારીખનો દાખલો રજૂ કરીને કોર્ટને ખાતરી કરાવી કે, લખાણમાં જે નવ માસનો સમય લખેલો છે; એ આરોપીના જન્મ પહેલાનો છે ! વલ્લભભાઈની ત્યાર પછીની ધારદાર દલીલોથી પેલો કર્મચારી નિર્દોષ છૂટી ગયો.
- Advertisement -
બોધામૃત
કોઈપણ કામ હાથ પર લઈએ ત્યારે પૂરી ચોકસાઇ સાથે એ કામ કરવું. ઉતાવળમાં ગમે તેમ આટોપી લેવામાં આવેલા કામનું પરિણામ ભવિષ્યમાં દુ:ખ પણ આપે. નાનામાં નાના કામનું પણ ખૂબ મહત્ત્વ છે, એમ માનીને દરેક કામમાં ચીવટ રાખવી જોઇએ.
અનુભવામૃત
જે ફક્ત ભણેલો હશે તેને મુશ્કેલીઓ દેખાશે; પણ જે ગણેલો હશે તેને રસ્તો દેખાશે.
-ફ્રેડરિક હેગલ