ખાસ ખબર સંવાદદાતા
વેરાવળ રેલ્વે સ્ટેશનના નવીનીકરણને પગલે સ્થાનિકોએ ટ્રાફિક સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે.પરિણામે જેમ તેમ પાર્ક કરેલા વાહનોને ઘણી વખત રેલ્વે વિભાગ દ્વારા દંડ પણ ફટકારવામાં આવે છે.જેને લઇને સ્થાનિક અગ્રણીઓએ રેલ્વે વિભાગના સંબંધિત અધિકારીઓને આ બાબતે યોગ્ય રસ્તો કાઢવા રજૂઆત કરી હતી. રેલ્વે સ્ટેશનનું અમૃત ભારત યોજના હેઠળ રૂ.10 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે રાજા રજવાડાના વખતનું પૌરાણિક રેલવે સ્ટેશન હવે નજીકના ભવિષ્યમાં આધુનિકતાના પોશાકમાં જોવા મળશે. વિશ્વભરના સોમનાથ આવનારા યાત્રિકો ની તમામ સુવિધાઓનું અહીં નિર્માણમાં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પરંતુ જ્યાં સુધી રેલ્વે સ્ટેશનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રિક્ષા અને ફોર વ્હીલ ચાલકોને પગલે ટ્રાફિક સમસ્યાનો સ્થાનિકોએ ભારે સામનો કરવો પડે છે. જેને લઇને સ્થાનિક અગ્રણીઓ દ્વારા સ્ટેશન માસ્ટર અને રેલ્વે પોલીસ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતે સકારાત્મક અભિગમ દાખવી અધિકારીઓએ જરૂરી પગલે લેવા સાંત્વના પાઠવી હતી તેમજ એન્ટ્રી અને એકઝિટ પોઇન્ટ વહેલી તકે તૈયાર કરાવી આપવા રેલવે અધિકારીઓએ ખાતરી આપી હતી.