દીપડો પકડવા 2 અલગ અલગ સ્થળે પાંજરા મુકાયા : વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિ., કણકોટ પાસે દીપડો દેખાયો : નોનવેજ ખાધા બાદ કચરો જાહેરમાં ન ફેંકવા સલાહ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં દીપડાની દહેશત છે. જેમાં ત્રણ અલગ અલગ જગ્યાએ દીપડાએ દેખા દીધી છે. દીપડો પકડવા 2 અલગ અલગ સ્થળે પાંજરા મુકાયા છે. વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિ., કણકોટ પાસે દીપડો દેખાયો છે. વનવિભાગે કણકોટ આસપાસ 2 સ્થળે પાંજરા મુક્યા છે.
નોનવેજ ખાધા બાદ કચરો જાહેરમાં ન ફેંકવા સલાહ આપવામાં આવી છે. રાતે વાડી કે ખુલ્લા પટમાં એકલા ન જવાની સલાહ છે. તેમજ 10 દિવસથી કવાયત છતા હજુ દીપડો પકડાયો નથી. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં દીપડાનો આતંક વિશે તમે સાંભળ્યુ હશે પરંતુ હવે આ દીપડાઓ રાજકોટ સુધી આવી ગયા છે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં દીપડાના આંટાફેરાના બનાવો સામે આવી રહ્યા છે. સૌપ્રથમ શહેરની ભાગોળે આવેલા કણકોટ ગામના કૃષ્ણનગર પાસે દીપડો દેખાયો ત્યારબાદ જિલ્લાના અનેક ગ્રા્મ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરાની અનેક ઘટના સામે આવી છે.
અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક પણ દીપડો દેખાયો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાછળ દીપડો દેખાયાની આશંકાને પગલે વનવિભાગે તપાસ હાથ ધરી હતી. જો કે ત્યારે કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી. પરંતુ ફોરેસ્ટ વિભાગે તકેદારીને ભાગરૂપે બંદોબસ્ત ગોઠવ્યો હતો. ગીર વિસ્તારમાં અનેકવાર સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓના આંટાફેરાની ઘટના અવારનવાર સામે આવે છે પરંતુ રાજકોટમાં શહેરી વિસ્તારમાં પણ દીપડાના આંટાફેરા વધતા લોકોમાં દહેશત ફેલાઈ છે.