મોટી સંખ્યામાં માલધારીઓ મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા: પહેલાં જગ્યા આપો પછી કાયદાઓ બનાવો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માલધારીઓને તા. 1 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં પોતાના પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અલ્ટીમેટમ અપાયું હતું ત્યારે આજરોજ મોટી સંખ્યામાં માલધારીઓ મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. પશુપાલકોએ પશુઓને પકડવાની કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને રજૂઆત કરતાં કહ્યું કે પહેલાં તંત્ર દ્વારા જગ્યા આપવામાં આવે ત્યાર બાદ પશુઓ પકડવાની કામગીરી હાથ ધરે.
વધુમાં કોર્પોરેશન દ્વારા એક અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે તા. 31 ડિસેમ્બર સુધીમાં ગાયોનું રજિસ્ટ્રેશન કરાવો અથવા તો ગાયોને લઈને બહાર ચાલ્યા જાવ નહીં તો ઘરમાં બાંધેલી ગાયો પણ લઈ જવામાં આવશે ત્યારે હવે પ્રશ્ર્ન એ છે કે જે રજિસ્ટ્રેશન તંત્ર દ્વારા માંગવામાં આવે છે ત્યારે રાજકોટની 40 ટકાથી વધુ જગ્યા ટાઈટલ ક્લિયર નથી, સૂચિત છે અને રાજકોટ બહાર આજુબાજુના ગામડાઓમાં જગ્યા આપવા કોઈ તૈયાર નથી અને કહેવામાં આવે છે તમે રહેવા આવો પરંતુ માલઢોરને રહેવા દેશું નહીં ત્યારે હવે માલધારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ‘જાયે તો કહાં જાયે’ની સ્થિતિ સર્જાઈ છે. તો આવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા પશુઓ રાખવા જગ્યા આપવામાં આવે અથવા કોઈ અન્ય વૈકલ્પિક રસ્તાઓ કાઢવામાં આવે તેવી માંગ પશુપાલકોમાં ઉઠી છે. આમ આજરોજ મનપા કચેરીએ મોટી સંખ્યામાં પશુપાલકો રજૂઆત કરવા પહોંચી ગયા હતા.