ભાગમાં વાવવા રાખેલ વાડીમાં કેતને દારૂ ઉતાર્યો’તો: એલસીબી દ્વારા 5.95 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉપલેટાના ઢાંક ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી દારૂની 996 બોટલ પકડી પાડી રૂ.5.95 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બુટલેગર ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી છે. દરોડાની પ્રાપ્ત વિગત મુજબ, એલસીબી પીઆઈ વિ વિ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી.ગોહિલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ રાજુ સાંબડા દિવ્યેશ સુવા, નિલેશ ડાંગર, હરેશ પરમાર અને કોન્સ્ટેબલ મિરલ ચંદ્રવાડીયાને ઢાંક ગામની સીમમા અનીલ સવજી દેત્રોજા વાળાનુ ખેતર ઢાંક ગામના કેતન રામ લુણશીયાએ વાવેતર કરવા રાખેલ જે વાડીની ઓરડીમાં આ કેતન લુણશીયાએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતરેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો પાડી વાડીમાં તપાસ કરતાં ત્યાં કોઈ હાજર ન હતું જે બાદ ટીમે ઓરડીમાં તાળુ લાગેલ હતું તે તાળું તોડી અંદર પ્રવેશી ચેક કરતા ઓરડીમાંથી ખાખી કલરના બોક્સમા ભરેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવેલ હતી. પોલીસે કુલ 996 દારૂની બોટલ રૂ.5.95 લાખનો મુદામાલ કબ્જે કરી દારૂ ઉતારનાર શખ્સ કેતન લૂણસીયાની શોધખોળ આદરી હતી.