ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારે ઘણા સમય પહેલા 15 વર્ષથી જૂના વાહનોને ભંગારમાં ફેરવવાની યોજના જાહેર કરી હતી. હવે તેનો અમલ ગમે ત્યારે થઈ શકે છે. આ પોલિસી લાગૂ થયા બાદ 15 વર્ષથી જૂના વાહનો કે જે ફિટનેસ ટેસ્ટમાંથી પસાર નહીં થાય તેમને ભંગારમાં ફેરવવામાં આવશે. જે અનુસંધાને ગુજરાતમાં પણ આ પોલિસી લાગૂ પડશે. આ પોલિસીની યોગ્ય રીતે અમલ થાય તે માટે ગુજરાતમાં 85 જેટલા વાહન ફિટનેસ સેન્ટરને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી છે. એક માહિતી એવી પણ મળી છે કે ફિટનેસ સેન્ટર ખાતે જો તમારું 15 વર્ષ જૂનું વાહન ત્રણ વખત ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેને સીધુ જ ભંગારમાં જવા દેવામાં આવશે.
સ્ક્રેપ પોલિસીના અમલને લઈને ગુજરાત સરકારે પણ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં પીપીપી ધોરણે 85 ફિટનેસ સેન્ટરને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી છે. આ ફિટનેસ સેન્ટરનું કામ 15 વર્ષ જૂના વાહનને સર્ટિફિકેટ આપવાનું રહેશે. એટલે કે જેમનું વાહન 15 વર્ષથી જૂનું હોય તેઓ આ ફિટનેસ સેન્ટર ખાતે જઈને ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકશે. આ માટે નિર્ધારિત ફી ચૂકવવી પડશે. જો વાહન ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહેશે તો તેને ભંગારમાં ફેરવવાની પ્રક્રિયા કરવામાં આવશે.