ખાસ-ખબર સંવાદદાતા
સરકાર દ્વારા તાજેતરમાં જ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે એક જ જગ્યા પર ત્રણ વર્ષથી ફરજ બજાવતાં કર્મચારીઓ-અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવે. આ નિર્ણય લેવાયાના થોડા જ દિવસોમાં તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને સૌથી પહેલાં પીઆઈની બદલીઓનો ઘાણવો નીકળ્યો હતો. દરમિયાન હવે સરકારે રાજ્યના 67 એડિશનલ કલેક્ટર અને 79 ડેપ્યુટી કલેક્ટરની બદલીઓનો હુકમ કર્યો છે.
આ બદલીઓમાં રાજકોટના ચાર ડેપ્યુટી કલેક્ટર સહિત રાજ્યના 79 જીએએસ કેડરના અધિકારીઓ સામેલ છે. આ ઉપરાંત 67 જેટલા એડિશનલ કલેક્ટરોની પણ બદલી કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈને અમરેલી, પી.એમ.મોણપરાને ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના જનરલ મેનેજર, જસદણના પ્રાંત અધિકારી કે.વી.બાટીને ગોંડલ, એ.ડી.જોશીને અમદાવાદ જિલ્લા પૂરવઠા અધિકારી તરીકે બદલી આપવામાં આવી છે. જ્યારે ભાવનગરના પૂરવઠા અધિકારી સૂરજ સુથારને રાજકોટના ડેપ્યુટી કલેક્ટર બનાવવામાં આવ્યા છે તો નવસારીના નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાંકને રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી તરીકે બદલી આપવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા રાજકોટ, ભરુચ, છોટાઉદેપુર, વલસાડ, વડોદરા, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં નવા રેસિડેન્ટ એડિનાલ કલેક્ટર (આરએસી)ની નિમણૂક પણ કરવામાં આવી છે.
- Advertisement -
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-ડીઆરડીએ તેમજ ટ્રાઈબલ એરિયા સબ પ્લાન પ્રોજેક્ટ ઑફિસરોની જગ્યા હવેથી સંપૂર્ણ રીતે ભરવા એડિશનલ કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે.