ભારે વરસાદથી વીજતંત્રને વ્યાપક અસર
ટ્રાન્સફોર્મરો પણ વરસાદી પાણી ઘુસી જવાથી ક્ષતિગ્રસ્ત બન્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. આ ઉપરાંત પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા અનેક વીજપોલ ધરાશાયી થયા હતા અને કેટલાક ટ્રાન્સફોર્મર ડેમેજ થયા હતા. આ કારણે અનેક ગામોમાં અંધારપટ છવાયો હતો. લોકો એકબાજુ ભારે વરસાદના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તેમાં વીજળી ગુલ થતા લોકોની મુસીબતમાં વધારો થયો છે. રાજકોટ ગ્રામ્ય, પોરબંદર, જુનાગઢ, જામનગર, ભુજ, સુરેન્દ્રનગર સહિત 759 વીજ પોલ ડેમેજ થયા છે અને 44 ટ્રાન્સફોર્મરને નુકશાન થયુ છે. પોરબંદર, જુનાગઢ અને જામનગર બાજુ ભારે વરસાદ ખાબકયો છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. પાણીના ધસમસતા પ્રવાહમાં વિજપોલ ધરાશાયી થયા છે. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારના 17 ગામોમાં અંધારપટ છવાયો છે.
પોરબંદર ગ્રામ્ય અને શહેરના 289 વિજપોલ ડેમેજ થયા છે અને 20 ટ્રાન્સફોર્મરને નુકશાન થયુ છે ત્યારે જામનગરના 4 ગામોમાં અંધારપટ છવાયો છે. જેમાં 238 વીજપોલ ધરાશાયી થયા છે અને 6 ટ્રાન્સફોર્મરને નુકશાન થયુ છે. જુનાગઢની વાત કરીએ તો 162 વીજપોલ અને 17 ટ્રાન્સફોર્મરને નુકશાન થયુ છે. ભુજમાં પણ ધોધમાર વરસાદ ખાબકયો છે તેમાં 13 વિજપોલ વરસાદના પ્રવાહમાં ધરાશાયી થયો હતો અને બોટાદના 23 વીજપોલ અને 1 ટ્રાન્સફોર્મરને નુકશાન થયુ છે. કુલ 759 વીજપોલ અને 44 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે અને 121 ફીડર બંધ પડયા હતા. હાલ વીજકર્મીઓ દ્વારા તાત્કાલીક ધોરણે વિજપોલ રીપેર કામગીરી કરાય રહી છે. ટુંક સમયમાં ગામડાઓમાં વિજળી પહોંચાડવામાં આવશે.