મતદાનની નિશાની બતાવી હોટલમાં ભોજન કરનાર નાગરિકોને 7% અવસર ડિસ્કાઉન્ટ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.26
પોરબંદરનો દરેક નાગરિક લોકસભાની ચૂંટણીના મહાપર્વની ઉજવણીમાં જોડાય, તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીના નેતૃત્વમાં અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં સ્વીપ નોડલ ઓફિસર વિનોદ પરમાર પ્રેરિત મતદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે પોરબંદરમાં મતદાતાઓને પ્રોત્સાહન આપવા ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે.
- Advertisement -
પોરબંદરમાં મતદાનના દિવસે સેફ્રોન હોટલમાં મતદાનની નિશાની બતાવી ભોજન કરનાર નાગરિકને 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સેફરોન હોટલ ઉપરાંત જય ચામુંડા રેસ્ટોરન્ટ, જેપોલી બેકરી, રંગોલી આઈસ્ક્રીમ, શિવા બેકરી સહિતના સ્થળોએ તા. 7 મેના રોજ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બનનાર મતદાતાઓને પ્રોત્સાહિત કરવા 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. તેમજ તુલસી ચશ્માની દુકાનમાં પણ મતદાન કરી ચશ્માની ખરીદી કરનારને 7% નું ડિસ્કાઉન્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. બજારમાં વેપારીઓને 7% વળતર આપવાની સમજૂતી સ્વીપ ટીમ દ્વારા આપવામાં આવી હતી. તેમજ મતદાનનું મહત્વ સમજાવતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી, વધુમાં વધુ લોકોને મત આપવા જવાની પ્રેરણા મળી શકે, તેવું આયોજન કરવામાં આવ્યું છે. હજી પણ જે વેપારીઓ સ્વૈચ્છિક ડિસ્કાઉન્ટ આપવા માંગે છે, તેમણે સ્વીપ ટીમનો સંપર્ક કરી શકે છે, તેવું જણાવ્યું હતું. આમ નાગરીકોને રચનાત્મક પ્રવૃત્તિઓના માધ્યમથી મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે.