સાત દિવસ પહેલા મગજમાં હેમરેજ થતા જૂનાગઢ સારવારમાં હતાં
બ્રેઇનડેડ થતાં પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો : અંગો અમદાવાદ લઇ જવાશે
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
અંગદાન એ મહાદાન છે. વ્યકિતનાં અંગદાનથી અન્ય વ્યકિતને નવું જીવન મળતું હોય છે. જૂનાગઢમાં અંગદાનનો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ નજીકનાં રવની ગામનાં મગનભાઇ વાલજીભાઇ ગજેરા(ઉ.વ.66)ને સાત દિવસ પહેલા બ્રેઇન સ્ટ્રોકને એટેક આવ્યો હતો.જેના કારણે મગજમાં ગંભીર અસર થઇ હતી. આ ઘટના બાદ મગનભાઇને જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર આવેલી રીબર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પરંતુ સાત દિવસની સારવાર કારગત નિવળી ન હતી. આજે મગનભાઇ ગજેરાને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. બાદ હોસ્પિટલનાં તબીબ ડો. રાકેશ પટોડિયાએ મગનભાઇનાં પુત્ર સંજયભાઇ સાથે વાત કરી અંગદાન કરવાની સલાહ આપી હતી. સંજયભાઇએ પરિવાર સાથે ચર્ચા કરી અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદથી તબીબોની ટીમ આવી ગઇ છે અને કિડની અને લીવર લઇ અમદાવાદ જવા રવાના થશે. જૂનાગઢનાં ઝાંઝરડા રોડથી કેશોદ એરર્પોટ સુધી ગ્રીન કોરીડોરનું આયોજન કરવામાં આવ્યુ છે. કેશોદથી એરએમ્બ્યુલન્સમાં અમદાવાદ અંગો લઇ જવામાં આવ્યાં છે.
આ અંગે સંજયભાઇ ગજેરાએ કહ્યું હતું કે, મારા પિતાને બ્રેઇનસ્ટ્રોકનો એટેક આવ્યો હતો. એક સપ્તાહની સારવાર કરવા છતા સફળતા મળી ન હતી. બ્રેઈનડેડ થઇ ગયું હતું. બીજાની જીંદગી બચે અને નવું જીવન મળે તે માટે મારા પિતાનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું છે.જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર આવેલી રીબર્થ હોસ્પિટલનાં તબીબ ડો. રાકેશ પટોડિયાએ કહ્યું હતું કે, મગનભાઇ ગજેરાને સાત દિવસ પહેલા હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. આજે તેમનું બે્રેઇનડેથ થયું છે. પરિવારને અંગદાન અંગે માહિતી આપતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો છે. લીવર અને કિડની દાનમાં આપ્યાં છે. જૂનાગઢમાં અંગદાન થતા ડે.મેયર ગીરીશભાઇ કોટેચા,સંજયભાઇ મણવર હોસ્પિટલે પહોંચી ગયા હતાં.
અન્ય લોકોની જિંદગી બચાવવામાં સહભાગી થવું જોઇએ
સંજયભાઇ ગજેરાએ કહ્યું હતું કે, અંગદાન એ કુદરતી મોકો છે એ સારી વાત છે. બીજા લોકોની જિંદગી બચાવવામાં સહભાગી થવું જોઇએ.
- Advertisement -
બ્રેઈનડેડ શું છે?
જે વ્યક્તિનું મગજ સંપૂર્ણ રીતે હાનિગ્રસ્ત અને નિષ્ક્રિય થઇ જાય, જેના કારણે મનુષ્ય તેનું જીવન ગુમાવે, તે વ્યક્તિ બ્રેઈનડેડ સ્થિતીમાં છે તેમ કહેવાય. આ સ્થિતિમાં વ્યક્તિનાં અંગોને કૃત્રિમ સપોર્ટ સિસ્ટમથી કાર્યરત કરી શકાય છે. એટલે તે સંજોગોમાં અંગોનું દાન કરી શકાય છે. મગજ મૃત વ્યકિત તેમની કોષિકાઓ પણ દાન કરી શકે છે.