કોરોના બાદ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સમાં ગ્લોબલ હેલ્થ કવરેજ લેવાનું પ્રમાણ રેકોર્ડબ્રેક વધ્યું
ઇન્ટરનેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ માટે ગુજરાતીઓ વાર્ષિક રૂ. 60 કરોડનું પ્રીમિયમ ભરે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હવેથી બિઝનેસ ટ્રિપ માટે કે પછી ફરવા માટે અમેરિકા, યુરોપ જેવા દેશોમાં ગયા હોઈએ અને અચાનક જ આપણી તબિયત બગડે તો અને બિમાર પડીએ તો? અજાણ્યો દેશ અને અજાણી જગ્યામાં મેડિકલ ઈમર્જન્સીમાં શું કરવું અને શું ન કરવું એનો ખ્યાલ ન રહે તેમજ ખર્ચ પણ મોટો આવે તે ચિંતા અલગથી થતી હોય છે. આ સ્થિતિને પહોચી વળવા માટે હવે ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ ગ્લોબલ હેલ્થ ઇન્સ્યોરન્સ લઇ રહ્યા છે. કોવિડ પહેલા આ પ્રકારનો વીમો લેનારાઓની સંખ્યા બહુ ઓછી હતી પણ વિતેલા અમુક વર્ષોમાં તેનું પ્રમાણ ઘણું જ વધ્યું છે. ગુજરાત જેવા બિઝનેસ સેન્ટ્રિક રાજ્યમાં અંદાજે વાર્ષિક રૂ. 6000 કરોડના ઇન્ટરનેશનલ હેલ્થ વીમાનું કવરેજ લેવામાં આવે છે.
ઇન્સ્યોરન્સ સેક્ટર સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ ગુજરાતમાંથી દર વર્ષે 3000થી વધુ લોકો આ પ્રકારનો વીમો ખરીદે છે અને તેમાં વાર્ષિક ધોરણે 12-15% જેવો વધારો થઇ રહ્યો છે. કોરોના પહેલા આ આંકડો ઘણો જ નીચો હતો. બિઝનેસ ટ્રીપ પર જનારા તેમજ ફરવા ગયા હોય તેવા લોકો અને વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓમાં ગ્લોબલ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું પ્રમાણ ઘણું ઊંચું છે. આ ઉપરાંત મલ્ટીનેશનલ કંપનીઓ પોતાના ટોપ કર્મચારીઓ માટે પણ હવે ઇન્ટરનેશનલ મેડિકલ કવર લઇ રહી છે. સરેરાશ વ્યક્તિદીઠ રૂ. બેથી 2.50 કરોડનું કવરેજ લેવામાં આવે છે.
વેલ્થ સ્ટ્રીટ ફઈનાન્શિયલ સર્વિસીસના કો-ફઉન્ડર કુણાલ મેહતાએ જણાવ્યું હતું કે, કોવિડ આવ્યા બાદથી ઓવરઓલ હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને લોકોમાં ઘણી જ જાગરૂકતા આવી છે. ડોમેસ્ટિક મેડિકલ વીમાના વેચાણમાં તો વધારો થયો જ છે પણ સાથે સાથે વિશ્ર્વભરમાં પ્રવાસ કરતા લોકોમાં હવે બહારના દેશોમાં સંભવિત મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ગ્લોબલ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતની વાત કરીએ તો અંદાજે 3000 લોકોએ આ પ્રકારનો વીમો લીધો છે અને તેનું પ્રીમિયમ રૂ. 60-65 કરોડ જેવું થાય છે. બિઝનેસ ક્લાસના લોકો ગ્લોબલ મેડીક્લેમ વધુ લઇ રહ્યા છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સના હેલ્થ એડમિનિસ્ટ્રેશન ટીમના વડા ભાસ્કર નેરુરકરે આ વિશે કહ્યું હતું કે, બિઝનેસનું ગ્લોબલાઇઝેશન, આંતરરાષ્ટ્રીય ટ્રીપમાં વધારો અને લોકોમાં આવેલી જાગૃતિ ગ્લોબલ હેલ્થ ઇન્સ્યોરન્સના વધુ વેચાણના મુખ્ય કારણો છે. હવે બજારમાં વિવિધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે જેમાં વારંવાર પ્રવાસીઓ, કોર્પોરેટ વ્યક્તિઓ વગેરેની જરૂરીયાત મુજબ ડિઝાઇન કરાયેલ વૈશ્ર્વિક કવરનો સમાવેશ થાય છે. ઘણી કંપનીઓ એવા કર્મીઓના આંતરરાષ્ટ્રીય હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદ કરે છે.