– સજાને લગતી જોગવાઈ 49 એમએને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, ખોટી ફરિયાદ કરનારને ચેતવણી
સુપ્રીમ કોર્ટએ ઈવીએમમાં ખામી અંગે ખોટી ફરિયાદ નહીં કરવા કડક ચેતવણી આપી હતી. દિલ્હીમાં એમસીડીની ચૂંટણી યોજાઈ રહી છે અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા અહીં મતદાન માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)નો ઉપયોગ કરવામાં આવનાર છે.
- Advertisement -
ચૂંટણી પહેલાં સુપ્રીમ કોર્ટે ઈવીએમમાં ખામી અંગે ખોટી ફરિયાદ કરનારાઓને કડક પગલાં લેવાની ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું હતું કે નિયમ 49એમએ હેઠળ ખોટી ફરિયાદ કરનારને 6 મહિનાની જેલ તેમજ રૂ. 1000નો દંડ કે બંને પ્રકારની સજા થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે નિયમ 49 એમએને ટાંકીને ફરિયાદીને ઈવીએમમાં ખામી અંગે ખોટી ફરિયાદ નહીં કરવા કડક ચેતવણી આપી હતી.
સર્વોચ્ચ અદાલતે નિયમ 49એમએને ગેરબંધારણીય જાહેર કરવાની માગણી કરતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી ત્યારે લોકોને જુઠ્ઠી ફરિયાદથી દૂર રહેવા કહ્યું હતું. આ કેસમાં અરજદારે રજૂઆત કરી હતી કે નિયમ 49એમએ અભિવ્યક્તિની આઝાદીના અધિકારનો ભંગ કરે છે.
શું છે નિયમ 49એમએ?
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના સરળ સંચાલન માટે નિયમો ઘડાયા છે જેમાં નિયમ 49એમએ અનુસાર જો કોઈ મતદાર મત આપ્યા પછી એવો આરોપ લગાવે કે પ્રિન્ટર દ્વારા મળેલી પેપર સ્લિપમાં ઉમેદવારનું નામ કે ચૂંટણી પ્રતીક દેખાતા નથી. આમ ઈવીએમમાં ખામી છે તો આની લેખિત ફરિયાદ ધ્યાને લઈને પંચ દ્વારા સુનાવણી કરવામાં આવે છે. ફરિયાદીએ આ માટે ફોર્મ ભરવું પડે છે.
- Advertisement -
જેમાં ફરિયાદ ખોટી જણાય તો નિયમ 49એમએ હેઠળ તેની સામે આઈપીસીની કલમ 177 મુજબ કેસ કરવામાં આવે છે. જે ગુના હેઠળ ફરિયાદીને 6 મહિનાની જેલ કે રૂ. 1000નો દંડ કે બંને પ્રકારની સજા કરાય છે.