ડિવાઇડર પર બેઠાં ને મોત મળ્યું…
મૃતકોને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડાયા
- Advertisement -
ટ્રકે હાઈ-વૅ પર ઊભેલી બસને પાછળથી ટક્કર મારી, બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી
ખાસ-ખબર ન્યૂઝ આણંદ, તા.15
આજે વહેલી સવારે આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. હજુ પણ મૃત્યુંઆક વધવાની સંભાવના છે.
આ અંગે હાલમાં પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે, બસનું ટાયર ફાટતાં સાઈડમાં ઊભી હતી. ત્યારે ડ્રાઈવર, ક્લિનર તેમજ કેટલાક મુસાફરો પણ બસમાંથી ઊતરી ડિવાઈડર પર બેઠા હતા. તે સમય અચાનક પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી અને બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી. આ ઘટનામાં 6 લોકો કચડાઈ જતા તેમના મોત થયા છે. જ્યારે અન્ય 8 લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને આણંદની જનરલ હોસ્પિટલ તેમજ કરમસદ મેડિકલ હોસ્પિટલ અને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, આ લક્ઝરી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર બે મૃતકોના અમદાવાદમાં રહેતાં સગાએ જણાવ્યું કે, મારું નામ કેશીમલ માધરેચા છે, આ અસ્કમાતમાં મારી ભત્રીજા વહુ અને કઝિન મોટાભાઈ હતાં. તેઓ મુંબઈથી રાજસ્થાન શ્રીનાથજી જતાં હતાં. હું તેમનો સબંધી છું અને અમદાવાદમાં રહું છું. મને મુંબઈથી મેસેજ મળ્યા કે, આણંદ હાઈવે પર અકસ્માતમાં બંનેનાં મોત નીપજ્યા છે, તમે અમદાવાદથી તાત્કાલિક ત્યાં પહોંચો. અહીં આવ્યા બાદ મને જાણ થઈ કે બંને મૃતદેહો આણંદની સર્જિકલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ પોલીસે પણ મને બંનેનો સામાન આપ્યો છે અને હવે અમે હોસ્પિટલ જઈ રહ્યા છીએ.
- Advertisement -
મયુર (આશરે ઉ.વ 28) તેના માતા પ્રેમા ઉર્ફ મીના પ્રકાશભાઈ જૈન (આશરે ઉં.વ 50) અને દાદા પુનમચંદ હુકમીચંદ જૈન (આશરે ઉં.વ 90) સાથે મુંબઈથી લક્ઝરી બસમાં બેસીને નાથદ્વારા જતો હતો. દરમિયાન રસ્તામાં લક્ઝરીનું ટાયર ફાટતાં અન્ય મુસાફરોની સાથે આ ત્રણેય જણાં નીચે ઉતરી, ડિવાઈડર પર બેઠાં હતાં. થોડીવાર બાદ મયુર લઘુશંકા કરવા ગયો હતો. બરાબર તે જ સમયે સર્જાયેલા અકસ્માતમાં મયુરના માતા અને દાદાનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે, મયુર લઘુશંકા કરવા ગયો હોવાથી બચી ગયો તેનું મયુરના સગા જણાવી રહ્યા છે. હાલમાં મયુર પોલીસ સ્ટેશનમાં છે.