રાજ્યપાલ-શિક્ષણમંત્રી, ISRO ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં 126 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 42,677ને ડિગ્રી એનાયત કરાશે
જામનગરની રામચંદાણી તારીકાને સૌથી વધુ 4 ગોલ્ડ મેડલ અને 3 પ્રાઇઝ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ અગાઉ તા.29 ડિસેમ્બરના રવિવારના યોજવાનું એલાન કરાયું હતું. જોકે તે વખતે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું નિધન થતા રાષ્ટ્રીય શોક પાળવામાં આવ્યો હતો અને તેથી પદવીદાન સમારોહ મોકૂફ રહ્યો હતો. જે બાદ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ફેબ્રુઆરી મહિનામાં પદવીદાન સમારોહ યોજવાની તારીખ રાજ્યપાલ સમક્ષ માગવામાં આવી હતી. જોકે આ દરમિયાન તારીખ ન મળી પરંતુ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારંભ આગામી તા. 4 માર્ચના મંગળવારના રોજ બપોરે 3.30 વાગ્યે રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા તથા ઈંજછઘ-જઅઈ, અમદાવાદના ડાયરેકટર નિલેષ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 42,677 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 126 ગોલ્ડ મેડલ તથા 221 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 59મા પદવીદાન સમારોહમાં કુલ 13 વિદ્યાશાખાના 111 વિદ્યાર્થીઓને કુલ 126 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં દાતાઓ તરફથી કુલ 52 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 74 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. દાતાઓ તરફથી કુલ 108 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 113 પ્રાઈઝ મળીને 221 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે. 39 વિદ્યાર્થીઓ તથા 87 વિદ્યાર્થિનીઓ મળીને કુલ 126 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની રામચંદાણી તારીકાને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 4 (ચાર) ગોલ્ડ મેડલ અને 3 (ત્રણ) પ્રાઈઝ, જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થી ગાંધી ઝોહરને એમ.બી.બી.એસ.માં 3 (ત્રણ) ગોલ્ડ મેડલ અને 7 (સાત) પ્રાઈઝ, પ્રભાબેન પટેલ કોલેજ, મોરબીની વિદ્યાર્થીની વ્યાસ દેવાંગીને એલ.એલ.બી.માં 3 (ત્રણ) ગોલ્ડ મેડલ અને 6 (છ) પ્રાઈઝ, મોથીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થિની ડાભી ભૂમિકાબેનને બી.એ. ગુજરાતીમાં 3 (ત્રણ) ગોલ્ડ મેડલ તથા 2 (બે) પ્રાઈઝ એનાયત થશે.
કઈ ફેકલ્ટીમાં કેટલી ડિગ્રી?
ફેકલ્ટી ડિગ્રી
વિનયન 12231
શિક્ષણ 4155
વિજ્ઞાન 2285
કાયદા 1994
તબીબી 1787
વાણિજ્ય 12046
મેનેજમેન્ટ 2108
હોમિયોપેથી 630
આર્કિટેક્ચર 76
હ્યુમીનીટી એન્ડ જ.જ. 636
કોમ્પ્યુટર સાયન્સ 3723
ગ્રામવિદ્યા 138
ગૃહવિજ્ઞાન 223
લાઇફ સાયન્સ 645
કુલ 42677