રાજકોટ મહાપાલિકાની ‘વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજના’ ને સફળ પ્રતિસાદ
આગામી ત્રણ વર્ષમાં 19.40 કરોડ ચૂકવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી ચડત વેરાની વસૂલાત માટે શરૂ કરવામાં આવેલી “વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજના” ને સફળ પ્રતિસાદ મળ્યો છે. મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના પદાધિકારીઓએ સંયુક્ત યાદીમાં આ માહિતી આપી હતી.
યોજના હેઠળ, તા. 01/04/2025 થી તા. 31/07/2025 દરમિયાન કુલ 5546 મિલકતધારકોએ આ યોજનાનો લાભ લીધો છે. આ સમયગાળામાં કુલ રૂ. 11.66 કરોડના વેરાની રકમ ભરપાઈ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વેરાની મોટી રકમને હપ્તા દ્વારા ચૂકવવાની સુવિધા આપીને કરદાતાઓને નિયમિત કરવાની હતો.
મહત્વની વાત એ છે કે, આ યોજના અંતર્ગત બાકી રહેલા રૂ. 19.40 કરોડ નો વેરો આગામી ત્રણ નાણાકીય વર્ષોમાં તબક્કાવાર રીતે વાર્ષિક હપ્તાથી ભરવામાં આવશે. આનાથી મનપાને મહેસૂલી આવકમાં વધારો થશે અને નાગરિકો પર પણ એકસાથે મોટી રકમ ભરવાનો બોજ ઘટશે.આ ઉપરાંત, ચાલુ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આજદિન સુધીમાં કુલ 3,58,622 મિલકતધારકોએ રૂ. 262.81 કરોડનો મિલકતવેરો ભરી દીધો છે. આ આંકડો દર્શાવે છે કે રાજકોટના નાગરિકો વેરા ભરવા અંગે જાગૃત બન્યા છે અને મનપાની વિવિધ યોજનાઓ તેમને પ્રોત્સાહિત કરી રહી છે.