અમેરિકાના અધિકારીઓએ અદાણી ગ્રુપ પર લગાવેલા આરોપને કારણે ભારતીય રોકાણકારોને એક જ દિવસમાં અબજોનું નુકસાન થયું છે. આ ઉપરાંત દેશમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે.
અમેરિકાના અધિકારીઓએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગૌતમ અદાણી પણ આરોપ લાગતા જ શેરબજારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો અને અદાણીના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ગૌતમ અદાણી પર લાગેલા આરોપને કારણે ભારતીય રોકાણકારોને એક જ દિવસમાં 5.33 લાખ કરોડનું નુકસાન થયું હતું.
- Advertisement -
ગૌતમ અદાણી પર લાંચ આપવાનો આરોપ
ગૌતમ અદાણી પર અમેરિકન રોકાણકારોના પૈસાથી ભારતમાં સરકારી અધિકારીઓને લાંચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ લાંચ એવા પ્રોજેક્ટ્સ માટે પણ આપવામાં આવી હતી, જેના કારણે અદાણી ગ્રુપની એક કંપનીને 20 વર્ષમાં 2 અબજ અમેરિકન ડૉલર એટલે કે ભારતીય પ્રમાણે લગભગ 16 હજાર 881 કરોડ રૂપિયાનો નફો થવાનો અંદાજ છે. આરોપ છે કે આ નફા માટે વર્ષ 2021 અને 2022 વચ્ચે આંધ્ર પ્રદેશ, ઓડિશા, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ અને છત્તીસગઢની સરકારોને લગભગ 2200 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. આ લાંચની રકમ અમેરિકન શેરબજારમાં લિસ્ટેડ કંપની સાથે સંબંધિત હતી, તેથી તેની તપાસ અમેરિકામાં કરવામાં આવી હતી અને ન્યૂયોર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટે હવે ગૌતમ અદાણીને આ કેસમાં આરોપી બનાવવાનો નિર્ણય લીધો છે.
ભારતના શેરબજારમાં હાહાકાર
- Advertisement -
અદાણી મુદ્દે ભારતમાં ભારે રાજનીતિ ચાલી રહી છે. માત્ર એક આરોપને કારણે ગુરુવારે (21 નવેમ્બર) ભારતીય શેરબજારમાં રોકાણકારોએ એક જ દિવસમાં 5 લાખ 35 હજાર કરોડ રૂપિયા ગુમાવી દીધા છે, જે દેશના વાર્ષિક સંરક્ષણ બજેટની બરાબર છે. આવું ક્યારેય બન્યું નથી જ્યારે આવા સમાચારોને કારણે ભારતીય શેરબજારને દર મિનિટે 1,115 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોય.
અદાણી ગ્રુપની કંપનીઓને પણ થયું કરોડોનું નુકસાન
ભારતીય શેરબજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો અને તેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓને 2 લાખ 20 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સમાચાર પહેલા અદાણી ગ્રુપની કંપનીઓની માર્કેટ વેલ્યુ 14 લાખ 31 હજાર કરોડ રૂપિયા હતી જે હવે 12 લાખ 10 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી 22મા સ્થાનેથી સરકીને 25મા સ્થાને પહોંચી ગયા છે.
અમેરિકામાં કેમ કરવામાં આવી રહી છે તપાસ
આ આખો મામલો કેટલાક સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત છે, ડિસેમ્બર 2019 અને જુલાઈ 2020ની વચ્ચે, ભારત સરકારની એક કંપનીએ લેટર ઓફ એવોર્ડ જારી કર્યા હતા, જેને સામાન્ય રીતે કરાર કહેવામાં આવે છે. ભારત સરકારની આ કંપનીનું નામ છે- સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ. જે બે કંપનીઓ માટે આ લેટર ઓફ એવોર્ડ પત્રો જારી કરવામાં આવ્યા હતા તેમાં એક ગૌતમ અદાણીની છે, જેને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ કહેવામાં આવે છે, બીજી મોરેશિયસની છે, જેને એઝ્યુર પાવર ગ્લોબલ લિમિટેડ કહેવામાં આવે છે. એવો આરોપ છે કે આ બંને કંપનીઓએ એકબીજા સાથે અનૌપચારિક કરાર કર્યો હતો અને વર્ષ 2019 અને 2020માં ભારત સરકારે આ બંને કંપનીઓને કુલ 12 ગીગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરવાની પરવાનગી આપી હતી.
આ રાજ્યોમાં લાંચ આપવાનો આરોપ
ન્યૂયોર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટના ડોક્યુમેન્ટમાં લખવામાં આવ્યું છે કે લાંચ આપવાના કારણે ગૌતમ અદાણીની કંપની, અદાણી ગ્રીન અને મોરેશિયસ કંપનીને કેટલાક મહિનામાં ઘણા રાજ્યોમાં મોટા સોલર એનર્જી પ્રોજેક્ટ્સ મળી ગયા છે. આ રાજ્યોના નામ આંધ્રપ્રદેશ, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને છત્તીસગઢ હતા. આરોપ છે કે આ રાજ્યોમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ મેળવવા માટે લગભગ 2200 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. તેમાંથી 638 કરોડ રૂપિયાની લાંચ મોરેશિયસની કંપનીને આપવાની હતી અને અંદાજે 1500 કરોડ રૂપિયાની લાંચ ગૌતમ અદાણીની કંપનીને આપવાની હતી. આ સિવાય એવો પણ આરોપ છે કે લાંચનો સૌથી મોટો હિસ્સો આંધ્ર પ્રદેશ સરકારને મળ્યો હતો અને આ લાંચ રૂ. 2,39 કરોડ હતી. જુલાઈ 2021 અને ફેબ્રુઆરી 2022ની વચ્ચે, જે રાજ્યોએ ગૌતમ અદાણી અને તેની સહયોગી કંપની સાથે સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ પર કરાર કર્યા હતા તેમાં વિરોધ પક્ષો અને બિન-ભાજપ પક્ષોની સરકારો હતી.
વિરોધ પક્ષે લગાવ્યા આ આરોપ
અદાણી મુદ્દે વિપક્ષ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કરી રહી છે અને આરોપ લગાવી રહી છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે ભારત સરકારની કંપની ગૌતમ અદાણીની કંપનીને મદદ કરી રહી હતી, પરંતુ સત્ય એ છે કે આપણા દેશમાં આ રીતે વીજળીનો સપ્લાય કરવામાં આવે છે. આપણા દેશમાં કોઈપણ ખાનગી કંપની કોઈપણ રાજ્ય સરકારને સીધી વીજળી વેચી શકતી નથી. આ બંને વચ્ચે ભારત સરકારની કંપની હોવી જરૂરી છે અને આ કિસ્સામાં પણ ભારત સરકારની કંપની આ સોલર એનર્જી ખરીદવા માટે વિવિધ રાજ્યો સાથે વાત કરી રહી હતી. એવો આરોપ છે કે વીજળીના મોંઘા દરોને કારણે જ્યારે કોઈ સમજૂતી થઈ ન હતી, ત્યારે ગૌતમ અદાણીએ ભારતની રાજ્ય સરકારો અને સરકારી અધિકારીઓને લાંચ આપવાની વાત કરી હતી અને આમાં મોરેશિયસની કંપની પણ તેમનો સાથ આપી રહી હતી.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘અદાણીની ધરપકડ કરીને પૂછપરછ થવી જોઈએ, પરંતુ આવું નહીં થાય કારણ કે મોદી તેમને બચાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીએ દેશને હાઇજેક કર્યો છે. પીએમ મોદી જ્યાં પણ જાય છે ત્યાં અદાણી માટે બિઝનેસ કરે છે’, રાહુલ ગાંધીએ સંસદમાં પણ અદાણીનો મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ‘એક છે, તો એક સેફ છે…’ એવું લાગે છે કે વડાપ્રધાનની દેખરેખ હેઠળ અદાણી ભ્રષ્ટાચાર, લાંચ અને છેતરપિંડી કર્યા પછી પણ સેફ છે.’