13 નદીઓ પ્રદૂષિત, જેમાં છ નદીઓ અત્યંત પ્રદૂષિત
ઔદ્યોગિક એકમોના ઠલવાતા ઝેરી પાણીથી નદીઓની હાલત બગડી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં સાબરમતી, તાપી સહિતની અત્યંત પ્રદૂષિત નદીઓના શુદ્ધિકરણ માટે સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 513.23 કરોડની રકમ છૂટી કરી છે છતાં સાબરમતી, તાપી, મિંડોળા સહિતની નદીઓ હજુ અત્યંત પ્રદૂષિત છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગે જુલાઈ 2023ના ત્રીજા સપ્તાહમાં વિગતો જાહેર કરી છે, તેમાં આ માહિતી સામે આવી છે. ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત છે, જેમાં છ નદીઓ અત્યંત પ્રદૂષિત છે, છ નદીઓને કેટેગરી એકમાં મુકાઈ છે. ગુજરાતમાં એક સમયે 20 કે તેથી વધુ નદીઓ અત્યંત પ્રદૂષિત હતી, જોકે હવે આ આંકડો ઘટીને 13 પહોંચ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.
ગુજરાતમાં 13 નદીઓમાં બીઓડી એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ ઊંચુ જોવા મળ્યું છે એટલે કે નદીમાં ઓક્સિજનની જરૂરિયાત અત્યંત વધુ છે. દેશમાં આવી કુલ 311 નદીઓ છે.
ગુજરાતમાં કેટેગરી બેથી ચારમાં એક એક નદી આવે છે જ્યારે કેટેગરી પાંચમાં ચાર નદી છે. ગુજરાત માટે વર્ષ 2022-23માં 208.63 કરોડની રકમ રિલીઝ કરવામાં આવી હતી, એ પહેલાં 2021-22માં 117.45 કરોડ, 2020-21માં 27.26 કરોડ, 2019-20માં 96.89 કરોડ અને 2018-19માં 63 કરોડ આપવામાં આવ્યા હતા. રાજ્યની પ્રદૂષિત નદીઓમાં સાબમરમતી, અમલખાડી, ભાદર, ખારી, વિશ્વામિત્રી, મિંડોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણ ગંગા અને તાપી વગેરે સામેલ છે.
- Advertisement -
છેલ્લે જે રિપોર્ટ જાહેર કરાયો છે તેમાં સાબરમતી નદીમાં બીઓડી સ્તર 292.0 હતો. એ પછી ભાદર નદી સૌથી વધુ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું હતું. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ ડેટા એકઠો કરાયો હતો. સાબરમતીમાં રાયસણથી વૌઠા સુધીનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદૂષિત છે. ભાદરમાં જેતપુરનો પટ્ટો, અમલખાડીમાં અંકલેશ્વરનો પટ, ખારીમાં લાલી ગામ, વિશ્વામિત્રીમાં ખાલીપુર ગામ આસપાસનો પટ, મિંઢોળામાં સચિન, માહીમાં કોટનાથી મુજપુર, શેઢીમાં ખેડા આસપાસનો પટ, ભોગાવોમાં સુરેન્દ્રનગરનો પટ, ભૂખી ખાડીમાં વાગરાનો પટ, દમણ ગંગામાં કાચી ગામ, ચાણોદ આસપાસનો પટ તદુપરાંત તાપીમાં નિઝર આસપાસનો પટ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. ખારી નદીમાં બીઓડી સ્તર 195.0 જ્યારે અમલખાડીમાં 49.0 સ્તર છે. ઓદ્યોગિક એકમો દ્વારા નદીઓમાં કેમિકલયુક્ત પાણી ઠલવાય છે, જેના કારણે નદીઓના રંગ પણ બદલાઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે સરકારને વારંવાર ફટકાર લગાવી છે.
સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 33486 ફેક્ટરી રજિસ્ટર્ડ છે, જે પૈકી 4605 ફેક્ટરી સરકારના ધારા ધોરણને અનુસરતી નથી, પ્રદૂષણ ફેલાવતી વધુ ફેક્ટરીની સંખ્યા મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં ચાર ફેક્ટરીની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે, 313 ફેક્ટરીને ક્લોઝરના આદેશ અપાયા છે, 3323ને શો કોઝ નોટીસ અપાઈ હતી, 965 ફેક્ટરી ઉપર હજુ સુધી શું પગલાં લેવા તે મામલે નિર્ણય લઈ શકાયા નથી. 965 ફેક્ટરીને એક્શન અંડર પ્રોસેસ હેઠળ હોવાનું જણાવાઈ રહ્યું છે.