5000 કરોડના કોકેઈનનું ઉત્પાદન કરતી કંપનીનો આજે પણ પ્લાન્ટ ચાલું, પાંચેય આરોપીને કોર્ટમાં લઈ જવાયા
ખાસ-ખબર ન્યૂઝ અંકલેશ્ર્વર
- Advertisement -
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્ર્વરની આવકાર ડ્રગ્સ નામની ફેક્ટરીમાંથી 13 ઓક્ટોબરના રોજ 5,000 કરોડનું 518 કિલો કોકેન ઝડપાયું હતું. આ મામલે પોલીસે મોડી રાત્રે કંપનીના 3 ડિરેક્ટરો સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસે મોડી રાત્રે કંપનીના ડિરેક્ટર અશ્ર્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા, વિજય ભેસાણિયા તેમજ અન્ય 2 કેમિસ્ટની ધરપકડ કરી હતી. આ પાંચેય આરોપીને કોર્ટમાં લઈ જવાયા છે. તેમને કોર્ટમાં રજૂ કરાયા બાદ દિલ્હી લઈ જવાશે. ઉલ્લેખનીય છે કે, 5000 કરોડના કોકેઈન જ્યાંથી ઝડપાયું છે તે આવકાર ડ્રગ્સ કંપનીનો પ્લાન્ટ આજે પણ ચાલું હોવાનું જાણવા મળ્યું છે.
દિલ્હી પોલીસ દ્વારા દિલ્હીમાંથી ઝડપાયેલ ડ્રગ્સના મામલાની તપાસમાં અંકલેશ્ર્વરની આવકાર ફાર્મા કંપનીમાંથી મટીરિયલ મોકલાયું હોવાનું બહાર આવ્યું હતું, જેના આધારે ગુજરાત અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જીવન રક્ષક દવાઓની આડમાં ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઈ હતી. આ કેસમાં અંકલેશ્ર્વરમાં કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં જે ગુનો નોંધાયો છે એ ગુનામાં જ આ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્ર્વર કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીઓને દિલ્હી લઈ જવાશે.
1 ઓક્ટોબરે દિલ્હી પોલીસે મહિપાલપુરમાંથી 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. આ પછી, 10 ઓક્ટોબરે તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી 208 કિલો કોકેઈન મળ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલા પદાર્થ અંકલેશ્ર્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો.
દિલ્હી પોલીસ-ગુજરાત પોલીસને મળી મોટી સફળતા
આ અગાઉ પણ અંકલેશ્ર્વરમાંથી અનેકવાર ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્ર્વરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ મામલે દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. આ પહેલાં 1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા અને 562 કિલો કોકેન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના મોટા ક્ધસાઈનમેન્ટ જપ્ત કર્યા હતા. આ પછી, 10 ઓક્ટોબર, 2024ના રોજ તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો કોકેન મળી આવ્યું હતું.
- Advertisement -
ડ્રગમાફિયાઓનો નવો કારસો: જોબવર્કથી ડ્રગ્સનું ઉત્પાદન કરે છે
અંકલેશ્ર્વરની આવકાર ડ્રગ્સ કંપનીના માલિક અશ્ર્વિન રામાણી છે. કંપનીમાં જીવનરક્ષક દવાઓ બનાવવા માટે ઇન્ટરમીડિયેટ પ્રકારના કેમિકલ બનાવવામાં આવતાં હતાં. દિલ્હીના ડ્રગ્સ કેસમાં ત્યાંથી મળેલું 518 કિલો કોકેઇન અંકલેશ્ર્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાં બન્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. દિલ્હીની કંપનીએ આવકાર કંપનીને તેમની જરૂરિયાત મુજબ કેમિકલ બનાવી આપવાનો ઓર્ડર આપ્યો હતો. 518 કિલો કોકેન અંકલેશ્ર્વરમાં ઓર્ડર આપી બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવતાં કંપનીમાં વધુ ઓર્ડર હોવાની આશંકાએ છાપો મારવામાં આવ્યો હતો.