પાલિકા દ્વારા મચ્છુ જળપ્રલયની દુર્ઘટના બન્યાના સમયે 21 સાયરન વગાડાયા, અનેક રાજકીય-સામાજીક આગેવાનોની ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
11 ઓગસ્ટ, 1979 ના દિવસે સર્જાયેલ મચ્છુ જળ પ્રલયની ગોઝારી દુર્ઘટના વિશ્વની સૌથી મોટી જળ પ્રલયની દુર્ઘટના પૈકીની એક ગણાય છે. 11 ઓગસ્ટ, 1979 ના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ ઉપરવાસના ભારે વરસાદથી મોરબીનો વિશાળકાય મચ્છુ ડેમ તૂટ્યો હતો અને આ સાથે જ મચ્છુ ડેમના પાણી યમરાજ બનીને મોરબી શહેર ઉપર તૂટી પડ્યા હતા અને આખું મોરબી જળમગ્ન બની ગયું હતું. એક જ જાટકે મોરબી આખું તબાહ થઈ ગયું હતું. મચ્છુના પૂરે પળવારમાં જ મોરબીને સ્મશાન બનાવી દેતા હજારો લોકો અને સેંકડો પશુઓ મોતની આગોશમાં સમાય ગયા હતા તો જાનમાલની પણ ભયાનક ખુવારી થઈ હતી. મચ્છુ જળ પ્રલયની દુર્ઘટના એટલી બધી ભયાનક હતી કે મોરબી શહેરમાં ચારેકોર વિનાશ સિવાય કંઈ બચ્યું ન હતું. આજે પણ મચ્છુ જળ પ્રલયની દુર્ઘટના તાજી થાય ત્યારે પુરની ભયાનકતા કાળજું કંપાવી દે છે.
- Advertisement -
દર વર્ષે મચ્છુ હોનારતની વરસી આવે ત્યારે મોરબીવાસીઓ અચૂક પણે દિવગંતોને શ્રદ્ધાસુમન પાઠવે છે અને દર વર્ષેની જેમ મોરબી પાલિકા દ્વારા ગઈકાલે મચ્છુ જળ પ્રલયની 44 મી વરસીએ હોનારત બન્યાના સમયે 21 સાયરન વગાડવામાં આવ્યા હતા અને પ્રથમ સાયરન શરૂ થતાં મોરબી નગરપાલિકા કચેરીએથી મૌન રેલી પ્રસ્થાન થઈ હતી. આ મૌન રેલીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટર જી.ટી. પંડ્યા, એસપી રાહુલ ત્રિપાઠી , ડીડીઓ ડી.ડી. જાડેજા, અધિક કલેકટર એન.કે. મુછાર, ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્ય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સર સંઘચાલાક ડો. જયંતીભાઈ ભાડેસીયા સહિત અનેક આગેવાનો અને હોદેદારો, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો, પાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
હોનારતના દિવંગતોને સલામી આપવા માટે 21 સાયરન પુરા થાય તે પહેલાં આ મૌન રેલી મણીમંદિર ખાતે પહોંચી હોનારતના મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ ખાતે અધિકારીઓ, પદાધિકારીઓ, રાજનેતા, સામાજિક, સંસ્થાકીય, ઔધોગિક સહિતના તમામ ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોએ પુષ્પાજંલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.