કોંગ્રેસના પ્રવક્તાએ સૌ. યુનિ.માં કરેલી RTEમાં થયા ચોંકાવનારા ખુલાસાઓ
વર્ગ-3ના 77% અને વર્ગ-2ની 42% જગ્યાઓ ખાલીખમ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
એક સમયે શૈક્ષણિક બાબતોમાં સૌરાષ્ટ્રનું હૃદય ગણાતી રાજકોટ સ્થિત વર્ષો જૂની યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. 300થી વધુ એકરમાં પથરાયેલ આ વિશાળ કેમ્પસમાં અલગ-અલગ ભવનોમાં અને તેને સંલગ્ન કોલેજોમાં અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને લાખો વિદ્યાર્થીઓએ અહીં અભ્યાસ કરી ખૂબ ટોચના સ્થાને પહોંચ્યા છે. એક સમય હતો કે આ યુનિવર્સિટી અ+ ગ્રેડ ધરાવતી હતી અને કેમ્પસના અમુક ભવનોનું શિક્ષણ સમગ્ર દેશ કક્ષાએ એટલું પ્રખ્યાત હતું કે કેમ્પસના ભવનોમાં અભ્યાસ માટે પડાપડી થતી અને બીજી તરફ હાલની પરીસ્થિતિએ મોટાભાગના ભવનોમાં સીટો સાવ ખાલીખમ પડી રહે છે તો અમુક રિસર્ચ ભવનોમાં તાળા લાગ્યા છે.
વારંવાર પેપર લીક થવા, ભરતીઓમાં ગોટાળાઓ, વહીવટી ભ્રષ્ટાચારો, પ્રવેશમાં- પરીક્ષાઓ- પરિણામોમાં છાશવારે છબરડાઓ, વિવાદો, આંતરિક ગંદૂ રાજકારણ જેવી બાબતોના લીધે છેલ્લા 6-7 વર્ષમાં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી એટલી હદે ખરડાઈ છે અને વહિવટી બાબતોમાં હાલત એટલી કથળેલી છે કે ગઅઅઈનો ગ્રેડ તો નીચે ગગડ્યો જ છે પણ શરમજનક બાબત એ છે કે અહીથી અભ્યાસ કરી વિદ્યાર્થી ડિગ્રી મેળવીને અન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવતા સમયે વિદ્યાર્થીઓને અનેક જાતના મેણા-ટોણા સાંભળવા પડે છે કાં તો સૌ. યુનિ. નામ વાંચી પ્રવેશ ફોર્મ જ સાઈડમાં મૂકી દેવાના દુ:ખદ કિસ્સાઓ સામે આવે છે ત્યારે સવાલ સ્વાભાવિક ઉભો થતો હોય છે કે આવી હાલત થવાનું કારણ શું? તો વર્ષોથી વિદ્યાર્થીઓના પ્રશ્ર્ને લડતા વિદ્યાર્થી નેતા અને ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે આ અંગે એક આરટીઆઈ કરી હતી જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી અને તેના પરથી વિસ્તૃત તર્ક તેઓએ રજૂ કર્યા હતા.
- Advertisement -
રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી કાયમી કુલપતિ રાજ્ય સરકાર નિમણુંક કરી શકતી નથી જેના કારણે અલગ અલગ કાર્યકારી કુલપતિઓની નિમણુંક કરીને બદલાવ્યા કરે છે. આ કાર્યકારી કુલપતિઓ પાસે અમુક મર્યાદિત સતાઓ હોય છે જેથી વિદ્યાર્થી હિતને એકતરફ મૂકીને આ કાર્યકારી કુલપતિઓ ખુરશીના મોહે તે રાગદ્વેષની ભાવનાથી તેઓના સામેના જૂથને ટાર્ગેટ કરી પોતાના માણસોને સેટ કરવામાં જ રચ્યાપચ્યા રહે છે જેથી વિવાદો થયા કે બે વખત પેપર લિક, નાઘેડી ચોરીકાંડ જેવી ચર્ચિત ગેરપ્રવૃત્તિમાં કોઇ જાતના નક્કર પગલા લેવાયા નથી. બીજું મુખ્ય કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજિસ્ટાર, ચીફ એકાઉન્ટ, ઓફિસર, ચીફ એન્જિનિયર, ગ્રંથપાલ જેવી ક્લાસ-1 કક્ષાની અને યુનિવર્સિટીના વહિવટી બાબતોમાં અતિ મહત્ત્વની ગણાતી જગ્યાઓ વર્ષોથી ખાલી છે અને હંગામી ધોરણે ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાય રહ્યું છે જેના લીધે યુનિવર્સિટીમાં વહિવટી રીતે સાવ ખાડે ગઇ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં અલગ અલગ વિષયોના 28 જેટલા ભવનો આવેલ છે જેમાં હજારો વિદ્યાર્થીઓ અનુસ્નાતક કોર્ષનો અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ ભવનોમાં શૈક્ષણિક સ્ટાફ એટલે કે અધ્યાપકોની કુલ 155 જેટલી મહેકમ સામે 87 ભરાયેલ છે અને 68 જેટલી જગ્યાઓ ખાલી છે એટલે કે 44% જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકાર આ બાબતે ગંભીરતાથી લઇ પ્રોફેસરોની તાકીદે પારદર્શકતાથી ગુજરાત સેવા આયોગ (ૠઙજઈ) પાસે ભરતી કરાવી જોઈએ. આમ યુનિવર્સિટીની શૈક્ષણિક અને વહીવટી રીતે કથળેલી પરિસ્થિતિનું મુખ્ય કારણ રાજ્ય સરકારની ઈચ્છાશક્તિનો અભાવ અને કેમ્પસનું આંતરિક રાજકારણ છે. બીજી તરફ રાજ્ય સરકાર ખાનગી યુનિવર્સિટીઓને ખટાવવા વિદ્યાર્થીઓને સ્નાતક કોર્ષમાં પ્રવેશ મેળળવા ૠઈઅજ પોર્ટલ પર ફરજીયાત રજિસ્ટેશનનો નિયમ લઇ આવી જેથી વિદ્યાર્થીઓને પોતાની મનપસંદ કોલેજમાં પ્રવેશ સમયસર ના મળવાની બીકે ખાનગી યુનિવર્સિટીઓમાં ના છૂટકે પ્રવેશ મેળવી લીધો છે.
અંતમાં કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે રાજ્યની ભાજપ સરકાર પર આરટીઆઈ જવાબના આધારે આકરા પ્રહારો કર્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં આ કફોડી હાલત છે ત્યારે અમે આ ગંભીર બાબતે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાના છે. વધુમાં જણાવ્યુ કે આવનાર ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર યુનિ. બચાવો અભિયાન ચાલુ કરનાર છે, જેમાં રાજકીય-સામાજિક આગેવાનો, શિક્ષણવિદો, પત્રકારો, અધ્યાપકો, તમામ પક્ષના વિદ્યાર્થીનેતાઓ સાથે સંકલન કરી આ કમિટી બનાવીને વિશ્ર્વ વિદ્યાલયને બચાવવા સલાહો-ચર્ચાઓ-વિમર્શ કરીને જે ઘટતું હશે તે કરીશુ તેવું રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.