સિટી એ ડિવિઝન પોલીસે એક આરોપીને દબોચી લીધો, અન્ય એક વૉન્ટેડ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે જલાલચોકમાં નાનજી બાપાના મઢ પાસે આવેલી એક ભાડાની ઓરડીમાંથી ₹80,000ની કિંમતનો 400 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂના જથ્થા સાથે પોલીસે એક ઈસમને દબોચી લીધો છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.
- Advertisement -
પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને ગુપ્ત બાતમી મળી હતી કે, રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા (રહે. મોરબી, કાલીકાપ્લોટ, જલાલચોક) નામનો શખ્સ જલાલચોકમાં નાનજી બાપાના મઢ પાસે આવેલી પોતાની ભાડાની ઓરડીમાં દેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન, આરોપી રેહાનભાઈ પલેજા પોતાના રહેણાંક મકાને હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની ઓરડીની તલાશી લેતા, તેમાંથી 400 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કુલ કિંમત ₹80,000 અંદાજવામાં આવી છે.
આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર શાનબાજ આશીફ મીર (રહે. ધ્રાંગધ્રા) ઘટનાસ્થળે હાજર મળી ન આવતા, પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



