નીચા ભાવે હરરાજી નહીં થાય: તાબડતોડ નિર્ણય, આજથી જ લાગુ
છેલ્લા કેટલાક સમયથી ડુંગળી ખેડુતોને રાતે પાણીએ રડાવી રહી છે. સતત નીચા ભાવના કારણે ખેડુતોની હાલત કફોડી બની છે. સામે દલાલો અને વેપારીઓ પણ નીચા ભાવથી મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે દલાલો અને વેપારીઓએ ડુંગળીના ભાવ સ્થિર રાખવા વિચારણા કરી છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના માંગ ડુંગળીના ન્યુનતમ ભાવ મણના રૂા.40 ફિકસ કરવામાં આવ્યા છે. આ ભાવથી નીચા ભાવે હરરાજી કરવામાં નહીં આવે. આ વખતે ગરમીની સીઝન વ્હેલી શરૂ થઈ જતા ગરમીનો પારો ઉંચકાયો છે. જેના કારણે મોટાભાગે માલ બગડવાની શકયતાઓ છે. શાકભાજીના ભાવ ઉંચા છે. પરંતુ ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે.
- Advertisement -
ખેડુતોને યાર્ડમાં લઈ આવવા માટેનુ ભાડુ પણ માથે પડે છે. આવક તો થતી નથી ઉપરથી નુકશાનીની ભરપાઈ કરવાની નોબત આવી છે. આ વખતે ડુંગળીની બે સીઝનની આવક એક સાથે યાર્ડમાં ઠલવાતા આ પરીસ્થિતિ સર્જાય છે. માત્ર રાજકોટ જ નહી પરંતુ તમામ યાર્ડની આ જ હાલત છે. ગોંડલ, જસદણ સહિતના સેન્ટરોમાંથી પણ રાજકોટ યાર્ડમાં ડુંગળીઓ ઠલવાય રહી છે. આવક સામે નિકાલનો પ્રશ્ર્ન પણ ઉભો થયો છે. 15 દિવસથી ડુંગળીના ભાવ મણે રૂા.20થી21 બોલાતા હતા. જેના કારણે ખેડુતોમાં નારાજગી ફેલાઈ ગઈ હતી ત્યારે હવે દલાલો અને વેપારીઓ સંમત થઈ એક ભાવ ફીકસ કરવામાં આવ્યો છે.
યાર્ડમાં 472 કિલો ડુંગળી વેચનાર ખેડૂતને સામા રૂ.131 ચૂકવવા પડ્યા !
બુધવારે ધુતારપુર ગામના ખેડૂત રાજકોટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવ્યો હતો. તેને વળતર તો નહોતું મળ્યું પરંતુ સામે તેને રૂ.131 ચૂકવવા પડ્યા હતા. ધુતારપુર ગામના ખેડૂત જમનભાઈ કુરજીભાઈ પહેલી માર્ચના રોજ તેઓ રાજકોટ યાર્ડમાં કુલ 472 કિલો ડુંગળી લઈને આવ્યા હતા. એક મણનો ભાવ તેને રૂ.21 મળ્યો હતો. તેને પોતાની ડુંગળી વેચવાના પૈસા રૂ. 495 મળ્યા હતા. જ્યારે ખરાજત તેને રૂ. 626 થઇ હતી. આમ તેને રૂ.131 સામે ચૂકવવા પડ્યા હતા.