ખાસ-ખબર સંવાદદાતા
ધાર્મિક અપમાન કરતી પોસ્ટ ફેસબૂક પર મુકવા બદલ પાકિસ્તાનની એક કોર્ટે ચાર યુવાનોને ફાંસીની સજા ફટકારી છે.પાકિસ્તાનની તપાસ એજન્સીના કહેવા પ્રમાણે 20 વર્ષના ચારે યુવકોને રાવલપિંડીની એક કોર્ટેધાર્મિક અપમાન કરતી પોસ્ટ મુકવા બદલ સોમવારે મોતની સજા ફટકારી છે.તેમણે સોશિયલ મીડિયા પર કુરાનને લઈને વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.એજન્સીનુ કહેવુ છે કે, ગયા વર્ષે એક વ્યક્તિ તરફથી આ પોસ્ટ અંગે અમને ફરિયાદ મળી હતી.એ પછી ચારે યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં આ ચારે યુવકો સામે જે પણ પૂરાવા મળ્યા હતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જેના આધારે ન્યાયાધીશે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે, કુરાન સામે અપમાનજનક ટિપ્પણી કરવાના ગુના બદલ માફી આપી શકાય નહીં.એટલે આરોપીઓ કોઈ પ્રકારની ઉદારતા દાખવવાના હકદાર બનતા નથી.
આ ચારે યુવાનોને ફાંસીની સજા આપવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ધાર્મિક અપમાનના કાયદા અત્યંત આકરા છે અને તે બદલ પાકિસ્તાનના કાયદામાં મોતની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.ઘણી વખત તો ધાર્મિક કોમેન્ટ કરનારા વ્યક્તિઓનુ પાકિસ્તાનમાં મોબ લિન્ચિંગ થતુ હોવાની ઘટનાઓ પણ બની છે.પાકિસ્તાનમાં કામ કરતા શ્રીલંકાના એક નાગરિકને તો ગત વર્ષે ટોળાએ ધાર્મિક અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ મુકીને જીવતો સળગાવી દીધો હતો.