આ ઘટનાથી અન્ય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર પ્રદેશના મથુરામાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન ચોકબજારમાં આવેલી જામા મસ્જિદની બહાર દુકાનો પર ભગવો ઝંડો લહેરાવીને વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી છે. ગુરુવારે ઘિયામંડી વિસ્તારમાં આવેલા પ્રાચીન રામ મંદિરથી રામ જન્મ મહોત્સવ સમિતિ દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રા ચોકબજાર ચારરસ્તા પર પહોંચી ત્યારે વાહનમાં સવાર કેટલાક યુવકો જામા મસ્જિદની બહાર આવેલી દુકાનોની છત પર ચઢી ગયા હતા અને ત્યાં ભગવો ઝંડો લહેરાવ્યો હતો.
જ્યારે શોભાયાત્રામાં સામેલ યુવકોએ જામા મસ્જિદની બહારની દુકાનો પર ભગવો ઝંડો લહેરાવ્યો ત્યારે કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો કર્યો હતો જે વાયરલ થયો છે. આ ઘટનાથી અન્ય સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. વરિષ્ઠ પોલીસ અધિક્ષક શૈલેષ કુમાર પાંડે અને પોલીસ અધિક્ષક માર્તંડ પ્રકાશ સિંહ તરત જ ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શોભાયાત્રા સંપન્ન કરાવી હતી.
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ઘટના બાદ તરત જ ભારે પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું હતું અને વીડિયો ફૂટેજના આધારે આરોપી યુવકો કાવ્ય, હની, રાજેશ અને દીપકની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
બીજી તરફ પશ્ચિમ બંગાળના હાવડા શહેરમાં ગુરુવારે સાંજે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેમાં અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટનાના સંબંધમાં અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો પોતાનું કામ કરશે.
મથુરાની જામા મસ્જિદ પાસે ઝંડો લહેરાવવાના આરોપમાં 4ની ધરપકડ
