અન્ય રાજ્યમાંથી દારૂનો મોટો જથ્થો લાવીને મોરબીમાં વેચાય તે પૂર્વે એલસીબીના દરોડા
કુલ 36 લાખથી વધુના મુદ્દામાલ કબજે કરતી પોલીસ: હજુ એક આરોપી ફરાર
- Advertisement -
મોરબીના પીપળી રોડ પર આવેલ ગોડાઉનમાં બૂટલેગરો અન્ય રાજ્યમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લાવીને વેચાણ કરતા હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો કરીને ગોડાઉનમાં રહેલા રૂપિયા 30.60 લાખના દારૂ સહિત કુલ રૂ. 36.57 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડીને કુલ પાંચ બૂટલેગરો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાને પગલે મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મોરબીના પીપળી રોડ ઉપર હોટલ લોર્ડસ ઇકો ઈનની પાછળ યુનિવર્સલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ આવેલા જેઠાભાઇ કરમશીભાઇ નકુમ રહે. મોરબી વાળાના ગોડાઉનમાં મુકેશ પીરારામ બિશ્નોઇ રહે. સરણાઉ તા. સાંચોર જી. જાલોર રાજસ્થાન તથા સાહીદ ઉમરભાઇ ચાનીયા રહે. મોરબીવાળો તેના મળતીયા સાથે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પરપ્રાંતમાંથી આયાત કરી તેનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે જે ચોકકસ બાતમીને આધારે એલસીબીની ટીમ આ ગોડાઉનમાં ત્રાટકી હતી અને ગોડાઉનમાંથી રૂપિયા 30,60,300 ની કિંમતની અલગ અલગ કંપનીની વિદેશી દારૂની કુલ 7416 બોટલો સહિત એક બોલેરો, બે મોટરસાયકલ તથા પાંચ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 36,57,800 ના મુદ્દામાલ સાથે આરોપીઓ સાહીદ ઉર્ફે ચકો ઉંમરભાઇ ચાનીયા (રહે. શિવ સોસાયટી, સાયન્ટીફીક રોડ, મોરબી), ઈમરાનભાઇ ઉંમરભાઇ ચાનીયા (રહે. વજેપર 1, મેઈન રોડ, મોરબી), રેનીશ ઉર્ફે રઇશ ભાણો ફિરોજભાઇ અંદાની (રહે. કાલીકા પ્લોટ, શેરી નંબર 2), યુનુશ અલીભાઈ પલેજા (રહે. સરકારી કર્મચારી સોસાયટી, શોભેશ્વર રોડ, મોરબી 2)ને ઝડપી લીધા હતા જ્યારે દારૂ મોકલનાર મુકેશ પીરારામ બિશ્નોઇ (રહે. દાંતા (સરણા) તા. સાંચૌર જી. જાલોર, રાજસ્થાન) ને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.