ગુરૂવારે અમેરિકાના સૈન્ય દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવતાં 102 લોકો ઘાયલ થયા
અમેરિકાએ યમનના રાસ ઈસા ઓઈલ પોર્ટ પર એર સ્ટ્રાઈક કરતાં 38 લોકો માર્યા ગયા છે. હૂથી વિદ્રોહીઓએ આ અંગે દાવો કર્યો છે કે, ગુરૂવારે અમેરિકાના સૈન્ય દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવતાં 102 લોકો ઘાયલ થયા છે. તેમજ ડઝનોના મોત નીપજ્યા છે. અમેરિકાની સેનાની સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાની ખાતરી કરી છે. અમેરિકાએ હુથીઓના કબજા હેઠળના રાસ ઈસા પોર્ટ પર ઘાતક હુમલો કર્યો હતો.
- Advertisement -
હૂથીઓ વિરૂદ્ધ અમેરિકાનો હુમલો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ મળ્યા બાદ અમેરિકાની સેનાએ અવારનવાર હૂથીના કબજા હેઠળના વિસ્તારોમાં હુમલા કરી રહી છે. જેમાં રાસ ઈસા પોર્ટ પર ગઈકાલે થયેલો હુમલો અત્યંત ઘાતક હતો. જેમાં સૌથી વધુ મોત નીપજ્યા છે. અમેરિકાએ આ એર સ્ટ્રાઈક હૂથીઓને મળતાં ફંડિંગ અને સંસાધનો પર કાપ મૂકવાના ઉદ્દેશ સાથે કરી હતી. યમનની લગભગ 70 ટકા આયાત અને 80 ટકા માનવતાવાદી સહાય રાસ ઈસા, હોદેદાહ અને અસ-સલિફ પોર્ટમાંથી પસાર થાય છે. આ હુમલાથી હૂથીઓને મળતાં સંસાધનોનો સ્રોત ખોરવાશે. રસા ઈસા ઓઈલ પોર્ટ પર હુમલાથી ત્યાં કામ કરતાં પોર્ટના કામદારો અને કર્મચારીઓના મોત થયા છે. ઘણા ઘવાયા છે. અગાઉ માર્ચમાં પણ સળંગ બે દિવસ સુધી અમેરિકાએ હુમલો કરતાં 50થી વધુ લોકોના મોત થયા હતાં.
અમે ડરીશું નહીંઃ હૂથી વિદ્રોહી
- Advertisement -
હૂથીના મોહમ્મદ નાસર અલ-અતિફીએ જણાવ્યું હતું કે, દુશ્મન અમેરિકાના આ હુમલાથી અમે ડરીશું નહીં. અમે યમનના લોકો ગાઝાને સમર્થન આપવાનું ચાલુ રાખીશું. નવેમ્બર, 2023થી અમેરિકાની સેના હૂથીઓને નિશાન બનાવી રહી છે. ઈઝરાયલ સાથે મળી તેણે હૂથીના જહાજો પર 100થી વધુ હુમલા કર્યા છે.
હૂથીએ US-ઈઝરાયલ વિરૂદ્ધ 59 હુમલા કર્યા
હૂથીએ પણ ગાઝાને સમર્થન આપવાના ભાગરૂપે અમેરિકા અને ઈઝરાયલ પર 15 માર્ચથી અત્યારસુધી 59 હુમલા કર્યા છે. જેમાં ઈઝરાયલ વિરૂદ્ધ 26 હુમલા અને યુએસ એરક્રાફ્ટ કેરિયર-વૉરશિપ પર 33 હુમલા કર્યા હતા. રેડ સી ક્રાઈસિસ 19 ઓક્ટબર, 2023થી શરૂ થઈ હતી. ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યમનમાં ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓએ ઈઝરાયલ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. તેણે ગાઝા પટ્ટીમાં દખલગીરી ન કરવાની ચીમકી આપતાં ઈઝરાયલ વિરૂદ્ધ લડાઈ છેડી હતી. ગાઝા યુદ્ધમાં ગાઝાને સમર્થન આપનારા હૂથી વિરૂદ્ધ અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને હુમલા કરી રહ્યું છે.