દુનિયાભરમાં વાયુ પ્રદૂષણ એક મોટો પડકાર બની રહ્યો છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી હૃદયની સાથે શ્વાસની બીમારીમાં પણ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે જ શ્વાસની સમસ્યાના રોજના સરેરાશ 330 જેટલાં ઇમરજન્સી કેસ નોંધાયા છે. ઇમરજન્સી સેવા 108 પાસેથી મળતી માહિતી મુજબ, ગુજરાતમાં આ વર્ષે સપ્ટેમ્બર સુધી શ્વાસની સમસ્યાના ઇમરજન્સીના કુલ 90, 003 કોલ્સ નોંધાયા છે.
અમદાવાદની શું છે સ્થિતિ?
- Advertisement -
ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી શ્વાસની સમસ્યાના 68, 292 કોલ્સ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ શ્વાસની સમસ્યાની ઇમરજન્સીમાં 32 ટકાનો વધારો થયો છે. બીજી બાજુ, અમદાવાદમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી શ્વાસની સમસ્યાના નવા 23, 863 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદમાં રોજના 87 કેસ સામે આવે છે.
શ્વાસના ઇમરજન્સી કેસમાં 30 ટકાનો વધારો
ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી 18,437 કેસ સામે આવ્યા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ શ્વાસની ઇમરજન્સીના કેસમાં અંદાજે 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. તબીબોના મતે, શ્વાસની સમસ્યાના દર્દીઓ વધવા પાછળ પ્રદૂષણ મહત્ત્વનું જવાબદાર પરિબળ છે. ધુમાડો ઓકતા વાહનો-ઉદ્યોગોથી પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શ્વાસની સમસ્યા ધરાવતાં દર્દીઓએ ધૂળની ડમરી ઉડતી હોય, પ્રદૂષણ હોય તેવી જગ્યાએ માસ્ક પહેરીને ખાસ તકેદારી રાખવી જોઈએ.