બે પ્રકારની બે લાખ ડસ્ટબિનની ખરીદી થશે: વિના મુલ્ય અપાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરમાં હવે વિકાસની હારમાળા સર્જા છે. મનપાની સ્થાયી સમિતિએ 33 કરોડનાં વિકાસનાં કામોને લીલી ઝંડી આપી છે.મનપા દ્વારા બે પ્રકારની બે લાખ ડસ્ટબિન ખરીદવામાં આવશે અને હાઉસટેકસ ભરનાર મિલ્કત ધારકોને વિના મુલ્યે આપવામાં આવશે.
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના વિકાસ માટે 33 કરોડના કામોને લીલી ઝંડી અપાઇ છે. જ્યારે સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે 3 કરોડના ખર્ચે ડસ્ટબિન ખરીદી કરી લોકોને ફ્રિમાં અપાશે. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવરના વિકાસ માટે રાજ્ય સરકારે 48 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે તેમાં વધુ 8 કરોડ આપી આધુનિક રીતે વિકાસ કરાશે. જ્યારે 49 ફિક્સ કર્મીઓને કાયમી કરવા માટેનો નિર્ણય કરી સરકારમાં મોકલાશે.આ અંગે સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પરસાણાએ જણાવ્યું હતું કે, શહેરના 33 કરોડના વિકાસ કામોને સ્થાયી સમિતીએ મંજૂરી આપી છે. દરમિયાન શહેરના નરસિંહ મહેતા સરોવરના ડેવલોપ માટે રાજ્ય સરકારે 48 કરોડ ફાળવ્યા છે. તેમાં વધુ 8 કરોડની જોગવાઇ કરી નરસિંહ મહેતા સરોવરને વધુ આધુનિક, અદ્યતન અને અદ્દભુત રીતે ડેવલોપ કરાશે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ઘરે ઘરે સુકો અને ભીનો કચરો અલગ રહે તે માટે 3 કરોડના ખર્ચે 10 લીટરની 1 લાખ બ્લુ અને 10 લીટરની 1 લાખ લીલી ડસ્ટબિન ખરીદ કરાશે. શહેરમાં હાઉસટેક્ષ શાખાના લીસ્ટ મુજબ બીન રહેણાંક(કોમર્શિયલ) 1,26,725 અને રહેણાંક 38,256 મળી કુલ 1,64,981 મિલ્કતો છે. આમાં હાઉસ ટેક્ષ ભરનાર દરેકને 1 લીલી અને 1 બ્લુ ડસ્ટબિન ફ્રિમાં અપાશે.
જ્યારે મહાનગરપાલિકાના 49 કર્મીઓ કે જે 5 વર્ષ કરતા વધુ વર્ષોથી ફરજ બજાવે છે તેને કાયમી કરવાનો નિર્ણય કરી સરકારમાં મંજૂરી અર્થે દરખાસ્ત મોકલવામાં આવશે.