27 જુનની સ્થિતિએ દાયકાનો સૌથી વધુ વરસાદ : ચોમાસું પણ રેકોર્ડબ્રેક ગતિએ દોડ્યું
સામાન્ય રીતે સરેરાશ 135 મીમી વરસાદની સરખામણીએ આ વર્ષે ડબલ પાણી વરસી ગયુ : હજુ થોડા દિવસ ચોમાસું સક્રિય રહેવાની આગાહી
બે દાયકાથી ગુજરાતની વરસાદી પેટર્ન બદલાતી હોવાનો-સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ વરસાદ થતો હોવાનો હવામાન નિષ્ણાંતોનો નિર્દેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં નૈઋત્ય ચોમાસુ સક્રિય છે અને અત્યાર સુધીમાં સિઝનનો 30 ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે કે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ છે. રાજયમાં ગત 7મી જુનની સ્થિતિએ રાજયનો સરેરાશ વરસાદ માત્ર 7 મીમી જ હતો જે હવે 260 મીમીથી વધુ થઈ ગયો છે. માત્ર 20 દિવસમાં જ સરેરાશ 250 મીમી વરસાદ થયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં રીપોર્ટ એવુ સુચવે છે કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષનો જુન મહિનાનો સૌથી ભારે ઝડપી વરસાદ છે. છેલ્લા પાંચ વર્ષમાં 27 જુનની સ્થિતિએ સરેરાશ 10.6 ટકા વરસાદ થયો હોય છે. ગત 2020 ના વર્ષમાં સૌથી વધુ 118 મીમી (14 ટકા) પાણી વરસ્યુ હતું.
હવામાન ખાતાનાં રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 27 જુન સુધીમાં સરેરાશ 135 મીમી વરસાદ થતો હોય છે તે આ વર્ષે ડબલ થયો છે. સુરત, ભાવનગર, જામનગર જેવા જીલ્લાઓમાં છેલ્લા 10 દિવસમાં જ ભારે વરસાદ થયો છે. રાજયના એકપણ જીલ્લા કે તાલૂકા વરસાદ વિનાના નથી. 34 માંથી 22 જીલ્લામાં 25 ટકા કે તેથી વધુ વરસાદ થઈ ગયો છે.ગુજરાત હવામાન વિભાગના ડાયરેકટર અશોકકુમાર દાસે જણાવ્યું હતું કે આ વર્ષે સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ નોર્મલ કરતા પણ વધુ રહેવાની આગાહી છે. ગુજરાત માટે પણ સમાન સ્થિતિ છે.
અરબી સમુદ્રથી માંડીને બંગાળની ખાડી સુધી મજબુત ટ્રફ જોવા મળ્યો છે. ઉપરાંત ગુજરાત તથા રાજસ્થાન પરના સાયકલોનીક સરકયુલેશનથી ફાયદો થયો છે. પરિણામે સામાન્ય વર્ષો કરતાં આ વખતે વધુ વરસાદ થયો છે.
- Advertisement -
સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદના મુખ્ય મહિના જુલાઈ અને ઓગસ્ટ ગણાય છે. આ બે મહિનામાં ચોમાસું સક્રિય રહીને સારો વરસાદ વરસાવે છે.
આવતા થોડા દિવસો હજુ ગુજરાતમાં ચોમાસુ સક્રિય રહેવાની અને લગભગ તમામ ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.
રાજયમાં ચાલુ વર્ષે ચોમાસા-વરસાદ સંબંધીત દુર્ઘટનાઓમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરત તથા ઉતર ગુજરાતમાં ભારે વરસાદે કહેર સર્જયો છે અને ઘણુ નુકશાન પણ કર્યું છે.
જાણકારોનાં કહેવા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વરસાદી પેટર્નમાં બદલાવ જોવા મળી રહ્યો છે. વર્ષોથી અછતગ્રસ્ત ક્ષેત્રનું લેબલ ધરાવતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ વરસાદ થવા લાગ્યો છે.
આ વખતે પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં એક સાથે ચોમાસાનો પ્રવેશ થયો છે અને પછીનાં બે જ દિવસમાં રાજયભરમાં છવાઈ ગયુ હતું. 48 કલાકમાં જ સમગ્ર રાજયને ચોમાસાએ કવર કરી લીધુ તે અત્યાર સુધીનુ સૌથી ઝડપી છે.