લોકોને ટેસ્ટ કરાવવા અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
ચીનમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તેના ભાગરૂપે ગુજરાતમાં આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ત્યારે અમદવાદ અને વડોદરા બાદ રાજકોટ જિલ્લા અને ભાવનગરમાં પણ ઑમિક્રોનનો પગપેસારો થયો હોય તેવું સામે આવી રહ્યું છે. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આઇસોલેશન સહિતની કવાયત હાથ ધરવામાં આવી છે અને ત્રણેયના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના જાગનાથ વિસ્તારમાં વોર્ડ નંબર સાતમાં ઓસ્ટ્રેલિયાથી આવનાર યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે આરોગ્ય તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર 18મી તારીખના રોજ યુવતી અમદાવાદથી બાય રોડ રાજકોટ પહોંચી હતી. તેના પતિ રાજકોટ ખાતે રહેતા હોવાને કારણે યુવતી રાજકોટ આવી હતી. જેથી આરોગ્ય તંત્ર દ્વારા તારીખ 20ના રોજ તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. અને તારીખ 21ના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- Advertisement -
આ ઉપરાંત જેતપુરમાં આજે કોરોનાની ફરી એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળે છે. જ્યાં શહેરના કણકિયા પ્લોટમાં રહેતા 24 વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ તંત્રએ તેને હોમ કવોરન્ટાઈન કર્યો છે. જ્યારે ચીનથી પરત ફરેલા ભાવનગરના એક વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપિડ ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો. વેપારી યુવાનને ક્વોરન્ટીન કરી છઝઙઈછ અને જીનોમ સિકવન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. યુવાનના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.તો બીજી તરફ ભાવનગર તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં કોવિડ ટેસ્ટની સંખ્યા વધારવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ઉપાધ્યાયએ જણાવ્યું છે કે કોવિડનું સંક્રમણ ન ફેલાય એ માટે જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
RMC પાસે રસી ઉપલબ્ધ જ નથી
રાજકોટ શહેરમાં સૌથી વધુ કોવિશીલ્ડ જ વપરાઈ છે અને જે લોકોએ બંને ડોઝ કોવિશીલ્ડના લીધા હોય તેમણે ત્રીજો ડોઝ પણ તેનો જ લેવો પડે છે. હાલ જો ચાઈનાથી કોરોનાનું જોખમ હોય તો બૂસ્ટર ડોઝ લેવાનો આગ્રહ થઈ રહ્યો છે પણ હકીકત એ છે કે હાલ એ રસી મનપા પાસે ઉપલબ્ધ જ નથી. આંકડા જોઈએ તો રાજકોટ શહેરમાં પ્રિકોશન ડોઝની કામગીરી ફક્ત 23 ટકા જેટલી જ થઈ છે અને હજુ 9 લાખ કરતા વધુ લોકો વેક્સિનના ત્રીજા ડોઝમાં બાકી છે.
રાજકોટમાં 9 લાખ નાગરિકોને બુસ્ટર ડોઝ મળ્યો જ નથી
નોંધનીય છે કે હાલ રાજકોટમાં 9 લાખ નાગરિકોને બુસ્ટર ડોઝ મળ્યો જ નથી. કોરોનાને અટકાવવા રસીની સ્થિતિ શું છે તે જાણતા જ બહાર આવ્યું છે કે મનપા પાસે કોવિશીલ્ડ રસીનો સ્ટોક જ નથી અને બીજી તરફ ત્રીજા ડોઝ માટે લાખો લોકો બાકી છે! ત્યારે પોઝિટિવ કેસ નોંધાતા રાજકોટીયન્સમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 5 પોઝિટિવ કેસ આવ્યા છે. જેને પગલે રાજકોટ મનપાનો આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. અને લોકોને આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટિંગ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.
- Advertisement -