21.04 લાખનો મુદ્દામાલ જપ્ત : કોહિનૂર કોમ્પ્લેક્સના ત્રીજામાળે રહેતા પરિવારના સભ્યોને બંધક બનાવી ઘરઘાટી નેપાળી યુવતી સહિત બે શખ્સો રોકડા રૂ.3 લાખ અને 30 તોલા સોનાના દાગીનાની લૂંટ કરી નાસી ગયા હતા
ક્રાઈમ બ્રાન્ચ, યુનિવર્સિટી પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખી, આરોપીને ઝડપી લીધા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ઇન્દિરા સર્કલ પાસેના કોહિનૂર કોમ્પ્લેક્સના ત્રીજામાળે રહેતા અનડકટ પરિવારના સભ્યોને બંધક બનાવી કામવાળી નેપાળી યુવતી સહિત બે શખ્સો સોમવારે બપોરે રોકડા રૂ.3 લાખ અને 30 તોલા સોનાના દાગીના સહિત કુલ રૂ.15.25 લાખનો મુદ્દામાલ લૂંટી નાસી ગયા હતા. શહેર પોલીસે ગણતરીની કલાકોમાં જ સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલી નાખી જૂનાગઢમાંથી યુવતી સહિત ત્રણ નેપાળીને ઝડપી લઇ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર હકીકત વર્ણવી હતી સાથે જ પોલીસની ટીમને 1 લાખ રૂપિયાની રોકડ રકમનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આરોપીઓએ ફરિયાદીઓને દૂધમાં ઘેનની ટીકડી આપીને બેભાન કરી દીધા હતા ત્યારબાદ લૂંટને અંજામ આપ્યો હતો.
લૂંટની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને ડીસીપી ઝોન-2 ડો.સુધીર દેસાઇ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો હતો. ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજાની ટીમે સીસીટીવી ફૂટેજ પર તપાસ કેન્દ્રિત કરી હતી અને લૂંટ બાદ નેપાળી યુવતી સહિત બંને શખ્સો વૈશાલીનગરની ઓરડીએથી રિક્ષામાં ભાગ્યાના અને એક નવો મોબાઇલ નંબર એક્ટિવ થયાના પુરાવા મેળવ્યા હતા. લૂંટારુ યુગલ સહિત ત્રણ નેપાળી જૂનાગઢમાં છુપાયા હોવાનું લોકેશન મળતાં જ પીએસઆઇ એમ.જે. હુણ સહિતની ટીમ જૂનાગઢની ભવનાથ તળેટીએ પહોંચી હતી અને 40 જેટલા ગેસ્ટહાઉસ અને હોટેલ ચેક કરતાં એક ધર્મશાળાના રૂમમાંથી સુશીલા નેપાળી અને તેનો સાથીદાર પવન નેપાળી મળી આવ્યા હતા અને સાગરીત નેત્રમ નેપાળી રૂમની બહાર લોબીમાં નિદ્રાધીન હાલતમાં પકડાઇ ગયો હતો. પોલીસે ત્રણેયને ઝડપી લઇ રૂમની તલાશી લેતા લૂંટનો તમામ મુદ્દામાલ પણ હાથ આવી છે.
ઘરઘાટી સુશીલા પ્રેમી પવન સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો
સુશીલા અને પવન નેપાળી ચાર મહિના પૂર્વે રાજકોટ આવ્યા હતા, કોહિનૂર કોમ્પ્લેક્સમાં સુશીલા નોકરી પર રહી ત્યારે પવનની ઓળખ તેના કાકા તરીકે આપી હતી. સુશીલા અને પવન વચ્ચે પ્રેમસંબંધ છે અને બંને પતિ પત્ની તરીકે જ રહેતા હતા. લૂંટારુ ગેંગે પોલીસને ચકમો આપવા સતત રિક્ષાઓ બદલી હતી. કોહિનૂર કોમ્પ્લેક્સથી યુવતી સહિત બંને લૂંટારુ રિક્ષામાં વૈશાલીનગર પહોંચ્યા હતા. ત્યાંથી રિક્ષા બદલાવી બસપોર્ટે
ગયા હતા.