ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં લુખ્ખાતત્વોએ બે દિવસ પહેલા બે વ્યકિતને છરી બતાવી રૂપિયા 2.10 લાખની ખંડણી ઉધરાવી હતી. આ ઘટનામાં સી ડીવીઝન પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા હતાં અને તેની પાસેથી રૂપિયા 1.41 લાખ અને બાઇક કબજે કર્યુ હતું. તેમજ બે શખ્સનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર થયા હતાં.
બનાવની મળતી વિગત મુબજ જૂનાગઢનાં જુલાઇવાડા વિસ્તારમાં રહેતા અફરોઝ અહમદભાઇ માલકાણીને મોહસીન ઉર્ફે હોલેહોલે, સરફરાઝ ઉર્ફે ડાબરો, ફિરોઝ હાલા, સોહિલ અક્રમ પટેલ, શાહરૂખ અને એક અજાણ્યા શખ્સે આંતરી છરીની અણીએ અપહરણ કરી 10 લાખની ખંડણી માંગ હતી અને બે લાખ પડાવી લીધા હતાં. આ ટોળકીનાં શખ્સોએ અબ્દુલ કાદર હાસમભાઇ ભાટા પાસે પાંચ લાખ માંગી 10 હજાર પાડવી લીધા હતાં. આ અંગે સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે એસપી રવિતેજા વાસમ શેટ્ટીનાં માર્ગદર્શનમાં પીએસઆઇ જે. જે. ગઢવી સહિતનાં પોલીસ કર્મીઓએ આ શખ્સોને ઝડપી લેવા ટીમ બનાવી હતી.સી ડીવીઝન પોલીસે મોહસીન ઉર્ફે હોલેહોલે, સરફરાઝ ઉર્ફે ડાબરો અને ફિરોઝ હાલાને ઝડપી લીધા હતાં. તેમની પાસેથી 1.41 લાખ અને બાઇક કબજે કર્યા હતાં.તેમજ એક ફૂટની છરી પણ કબજે કરી હતી. મોહસીન ઉર્ફે હોલેહલે ઉપર ખીનની કોશીશ,ચોરી જેવા 21 ગુના છે. જયારે સરફરાજ ઉર્ફે ડાબરા ઉપર એક ડઝન ગુના છે. ફિરોજ આગાઉ હત્યા અને હથિયારનાં ગુનામાં પકડાયો હતો. આ ટોળકી વેપારીઓ અને સારા ઘરનાં લોકોને હથિયાર બતાવી ખંડણી ઉધરાવે છે.