ખાસ-ખબર સંવાદદાતા
રેલવેએ 2022-23માં ટીકીટ વગર અથવા ખોટી ટીકીટ સાથે મુસાફરી કરતા 3.6 કરોડ પેસેન્જર્સને પકડી રૂા.2260 કરોડ વસુલ્યા છે. અગાઉના વર્ષની તુલનામાં આ સંખ્યા લગભગ એક કરોડ વધુ છે. 2022-23માં ટીકીટ વગર પકડાયેલા મુસાફરોની સંખ્યા ઘણા નાના દેશોની વસ્તી કરતા વધુ છે.અગાઉ 2019-20માં 1.10 કરોડ પેસેન્જર્સ ટીકીટ વગર અથવા ખોટી ટીકીટ સાથે મુસાફરી કરતા ઝડપાયા હતા. 2021-22માં તે સંખ્યા વધીને 2.7 કરોડ અને 2022-23માં 3.6 કરોડ થઈ છે. 2020-21માં કોરોના મહામારી શરૂ થઈ ત્યારે ‘ખુદાબક્ષ’ પેસેન્જર્સનો આંકડો 32.56 લાખ હતો.
રેલવેની આવા પેસેન્જર્સ પાસેથી થતી આવક 2020-21માં રૂા.152 કરોડ હતી તે 2021-22માં રૂા.1574.73 કરોડ થઈ હતી. જયારે તાજેતરના 2022-23ના વર્ષના ટીકીટ વગરના પેસેન્જર્સ પાસેથી વસુલ કરાયેલા દંડની રકમ રૂા.2260.05 કરોડે પહોંચી છે.
- Advertisement -
મધ્યપ્રદેશના એક એકિટવિસ્ટ ચંદ્રશેખર ગુઆરે ‘રાઈટ ટુ ઈન્ફર્મેશન એકટ’ હેઠળ અરજી કરી આ બાબતે માહિતી માંગી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં ‘ખુદાબક્ષ’ પેસેન્જર્સ પાસેથી મળેલી આવકમાં મોટો ઉછાળો નોંધાયો છે.કોઈ પેસેન્જર ટીકીટ વગર પકડાય તો તેણે ટીકીટની કિંમત સાથે ઓછામાં ઓછો રૂા.250નો દંડ ચૂકવવો પડે છે. કોઈ વ્યકિત દંડ ભરવાનો ઈન્કાર કરે અથવા તેની પાસે નાણા ન હોય તો ગુનેગારને રૂા.1000 સુધીનો દંડ કરી શકે.