ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજ્યના અનેક ડેમો છલોછલ થઇ ગયા છે. ત્યારે આજવા સરોવરની જળસપાટીમાં વધારો થતા નર્મદા નદી બે કાંઠે થતા વડોદરા જિલ્લાના 23 ગામોને એલર્ટ કરી દેવાયા.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી સતત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે રાજ્યના અનેક ડેમ અને જળાશયો હાલ છલોછલ થઇ ગયા છે. ત્યારે વડોદરાના આજવા સરોવરની જળસપાટી વધતા નર્મદા નદી બે કાંઠે થઇ જતા વડોદરા જિલ્લાના 23 ગામોને હાલ એલર્ટ કરી દેવાયા છે.
- Advertisement -
ડેમમાંથી પાણી છોડાતા જ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ
જણાવી દઇએ કે, ઉપરવાસમાંથી સારા એવા વરસાદના કારણે વડોદરાના આજવા સરોવરમાં પાણીની આવક વધતા જળ સપાટીમાં વધારો થયો છે. સરોવરની જળ સપાટી એક ફૂટ વધીને 212.15 ફૂટે પહોંચી છે. નર્મદા ડેમના 36 દરવાજા 1.37 મીટર ખોલી દેવાયા છે. ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. આથી, ડેમમાંથી પાણી છોડાતા જ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ ગઇ છે. જેના લીધે વડોદરા જિલ્લાના 23 ગામોને એલર્ટ કરી દેવાયા છે. તેમજ જિલ્લા કલેકટરે પણ કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા અંગે સૂચના આપી દીધી છે.
વડોદરા જિલ્લાના 23 ગામોને એલર્ટ કરી દેવાયા
- Advertisement -
નોંધનીય છે કે, રાજ્યમાં સતત ચાર દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે અનેક ડેમોની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદાનો સરદાર સરોવર ડેમ, ઉકાઇ ડેમ અને શેત્રુંજી ડેમ સહિતના ડેમોની સપાટીમાં વધારો થતા નદીઓ પણ બે કાંઠે વહેવા લાગી છે. જેના લીધે સામાન્યત: નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવાતા હોય છે. આથી આજવા સરોવરની જળસપાટીમાં વધારો થતા એકાએક નર્મદા નદી પણ બે કાંઠે વહેવા લાગી છે. આથી વડોદરા જિલ્લાના નદીકાંઠાના 23 ગામડાઓને હાલ એલર્ટ કરી દેવાયા છે.
રાજ્યમાં એક જ દિવસમાં 152 તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં માત્ર એક જ દિવસમાં 152 તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જેમાં સૌથી વધુ બારડોલીમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો. તો અન્ય જિલ્લાઓની જો વાત કરીએ તો રાજ્યમાં વાંસદામાં 4.5 ઈંચ, માંગરોળમાં સવા 4 ઈંચ, ભુજ અને પલસાણામાં પણ સવા 4 ઈંચ વરસાદ, ડોલવણ અને કપરાડામાં 4 ઈંચ વરસાદ, નાંદોદ અને વેરાવળમાં પોણા ચાર ઈંચ વરસાદ, ચીખલી, ધરમપુર, મહુવા અને પારડીમાં 3.5 ઈંચ વરસાદ, નવસારીમાં સવા ત્રણ ઈંચ વરસાદ, વાપી, કોડીનાર અને વાલોદમાં 3 ઈંચ વરસાદ તો વઘઈ અને ખેરગામમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.
ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો
બીજી બાજુ ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. હાલ નદીના જળ સ્તર 18.4 ફૂટે પહોંચ્યા છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ હાલ જોવા મળી રહ્યો છે. આથી ગઇકાલે ખુદ CM ભૂપેન્દ્ર પટેલે મા નર્મદાના જળનું પૂજન કરી નર્મદા નીરના વધામણા કર્યા હતા. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી છે. તમને જણાવી દઇએ કે, સરદાર સરોવર નર્મદા ડેમ 2019 અને 2020 પછી આ વર્ષે ત્રીજી વાર પૂર્ણ સપાટીએ છલકાયો છે.
ઉકાઈ ડેમની હાલની જળસપાટી 341.22 ફૂટે પહોંચી
તમને જણાવી દઇએ કે, હાલ રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે રાજ્યના અનેક ડેમ અને જળાશયો ઓવરફ્લો જોવા મળી રહ્યાં છે. જેમાં વાત કરીએ તો ઉકાઈ ડેમની જળસપાટીમાં પણ હાલ વધારો થયો છે. ઉકાઈ ડેમની હાલની જળસપાટી 341.22 ફૂટે પહોંચી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટે છે. ઉકાઈ ડેમમાં 1 લાખ 40 હજાર 971 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જ્યારે ડેમમાંથી 1 લાખ 75 હજાર 894 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. ડેમના હાલ 14 દરવાજા 6 ફૂટ સુધી ખોલી દેવાયા છે.