ભારતીય નાગરિકત્વ મળતા અમારા બાળકોને સારું શિક્ષણ અને સુખ સુવિધાઓ આપી જીવન ઉજ્જવળ બનાવી શકીશું – પાંચાભાઈ સોલંકી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
- Advertisement -
દેશમાં વસતા તમામ લોકોને સુરક્ષિત અને સન્માનજનક જીવન મળી શકે તે માટે નાગરિકતા સંશોધન કાયદા હેઠળ નાગરિકોને મળતા તમામ લાભો અપાવવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા આવા 22 લોકોને ભારતીય નાગરિકતનો હક્ક મળ્યો હતો ત્યારે આ લોકોની આંખોમાં આશાનાં કિરણ જોવા મળી રહ્યા છે.
સરકાર અને વહીવટી તંત્ર દ્વારા નાગરિકતા હક્ક અપાવવા અંગે પાંચાભાઈ વેલાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 1995માં પાકિસ્તાનથી ભાગીને કચ્છમાં આવી રહ્યા હતા ત્યારે કચ્છ-ભુજ બોર્ડર ઉપર બી.એસ.એફે અમને રોક્યા હતા. દોઢ વર્ષ જેટલા સમયગાળા માટે અમારું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ ગુનાહિત પ્રવૃતિની હકિકત નહી મળતાં અમે કુલ 24 લોકોને છુટા કરવામાં આવ્યા હતા. તે વખતના કચ્છના બાવજી જાડેજાએ આશરો આપ્યો. બાવજી જાડેજાનું ખુન થતા બે વર્ષ પછી કુટુંબી ભાઈઓએ કહ્યું કે હવે તમોને સાચવી શકીયે તેમ નથી. આથી વર્ષ 1997ની સાલથી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરલા ગામે આવી વસવાટ કરે છે. હવે તેઓને ભારતીય નાગરિકતા મળવા જઈ રહી છે ત્યારે તમામ પરિવારો ખુબ જ ખુશ છે.
ભારતીય નાગરિકત્વ મળતા તેઓના બાળકોને સારું શિક્ષણ આપી જીવન ઉજ્જવળ બની શકે તેમ છે ભારતના નાગરિક નહિ હોવાથી તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી હવે આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.” ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 11 માર્ચ, 2024ના રોજ દેશભરમાં “નાગરિકતા સંશોધન કાયદો (ઈઅઅ)” લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ, 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરાઈ છે. ત્યારે આ કાયદા હેઠળ મૂકી તાલુકાના સરલા ગામે વસવાટ કરતા પાકિસ્તાની પરિવારના કુલ 22 સભ્યોને મૂળ નાગરિકનો હક્ક મળતા આ પરિવારોના ચહેરા પર અનેરું સ્મિત નજરે પાડ્યું છે.
- Advertisement -
નાગરિકતા સંશોધન કાયદો (CAA) હેઠળ કોને મળી શકે ભારતીય નાગરિકતા?
31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ધાર્મિક આધાર પર અત્યાચારનો ભોગ બન્યા બાદ ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે. આ ત્રણ દેશોના લોકો નાગરિકતા માટે આ કાયદા હેઠળ અરજી કરી શકે છે.”
ભારતીય નાગરિકતા માટે કેવી રીતે અરજી કરી શકાય?
આ પ્રક્રિયા માટે અરજી ઓનલાઈન કરવાની હોય છે. ભારત ક્યારે આવ્યા તેની સંપૂર્ણ વિગતો અરજદારે જણાવવાની રહે છે. આ કાયદામાં કરાયેલ સુધારા મુજબ જેમની પાસે પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો ન હોય, તેઓ ઓછામાં ઓછાં છ વર્ષ સુધી ભારતમાં રહ્યા હોય તો તેમને ભારતીય નાગરિકતા મળી શકે છે.