યાત્રિકોને ક્લોરિનેટેડ પીવાનું પાણી મળી રહે તેના માટે 45 ટાંકીઓ મૂકાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે પીવાના પાણીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.પરિક્રમામાં આવતા ભાવિકોને પરિક્રમા રુટ ઉપર પીવાનું પાણી મળી રહે તે માટે 22 જેટલા પીવાના પાણીના પોઇન્ટનું નિર્માણ કરવામાં આવ્યા છે. આ માટે 45 જેટલી પાણીની ટાંકીઓ પણ મૂકવામાં આવી છે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા યાત્રિકો માટે ફેબ્રિકેટર સ્ટેન્ડ બનાવી તેના ઉપર સ્ટેન્ડ પોસ્ટ એટલે કે પીવાના પાણી માટેના નળ મૂકવામાં આવ્યા છે. યાત્રિકોને ક્લોરિનેટેડ પીવાનું પાણી મળી તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
- Advertisement -
પીવાના પાણીની સુવિધા ઝીણા બાવાની મઢી વિસ્તારમાં ઈટવાયાની ઘોડી, ઝીણાબાવાની મઢી ત્રણ રસ્તા, મઢી જતા રસ્તાની જમણી બાજુ, મઢી જતા રસ્તાની ડાબી બાજુ, સૂરજકુંડ સુકનાળામાં સૂરજ કુંડ અને સુકનાળા, નળપાણીની ઘોડીથી બોરદેવી વિસ્તારમાં નળ પાણીની ઘોડી પાસે, ફોરેસ્ટ ક્વાર્ટર પાસે, બોરદેવી ત્રણ રસ્તા પાસે, બોરદેવી મંદિરના કુવા પાસે, બોરદેવી મંદિરની દક્ષિણે ખોડીયારના રસ્તે, મંદિર પાછળ જુના કુવા પાસે ઉપરાંત ઝીણા બાવા મઢીથી 500 મીટર દૂર માળવેલા ઘોડી તરફના રસ્તે, મઢીથી જતા કાળકાના વડલા પહેલા આશરે 500 મીટર અને ઈટવાયાની ઘોડીથી ત્રણ રસ્તા જતા બાપા સીતારામ અન્ન ક્ષેત્ર પાસે પીવાના પાણીના પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.પીવાના પાણીની વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.



