રાજ્યના 17 શહેરોમાં સ્વચ્છતાના મુદ્દે એક વર્ષમાં સ્થિતિ કથળી, ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર સફાઇ બાબતે રાજ્યમાં 17મા ક્રમે
ડોર ટુ ડોર કચરો, રહેણાક અને માર્કેટ સફાઈમાં મોરબી, વેરાવળ અને ગાંધીધામની કામગીરી 50%થી ઓછી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં સ્વચ્છતાનું ચિત્ર જેટલું દેખાય છે તેટલું સ્વચ્છ નથી. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અફેર્સના સ્વચ્છ સર્વેક્ષણ-2023ના આંકડા મુજબ, દેશના સૌથી ઝડપી વિકસતા રાજ્ય ગુજરાતના એક લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની યાદીમાં સૌથી છેલ્લા 30મા ક્રમે રહેલા ભુજ શહેર કરતાં પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સૌથી છેલ્લા 44મા ક્રમે રહેલા અકોલા શહેરની સ્થિતિ સ્વચ્છતા બાબતમાં ઘણી સારી દેખાય છે.
ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની બાબતમાં ભુજને 44% અને અકોલાને 70%, રહેણાંક વિસ્તાર સફાઈમાં ભુજને 55% અને અકોલાને 75%, માર્કેટ વિસ્તાર સફાઈમાં ભુજને 56% અને અકોલાને 74%, જળસ્ત્રોત સફાઈમાં ભુજને 50% અને અકોલાને 100% મળ્યા છે.ગુજરાતમાં વર્ષેદહાડે સફાઈ પાછળ કરોડોનો ખર્ચ કરાતો હોવા છતાં આઠ મહાનગરપાલિકા સિવાયનાં એક લાખથી વધુ વસ્તી ધરાવતાં 22 શહેરોની સ્થિતિ જોઇએ તો છેલ્લા એક જ વર્ષમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવામાં 17 શહેરોની સ્થિતિ કથળી છે.
એ જ પ્રમાણે, રહેણાક વિસ્તાર સફાઈમાં 20 શહેરો તો માર્કેટ વિસ્તાર સફાઇમાં 21 શહેરો પાછાં પડ્યાં છે. જળસ્ત્રોત સફાઈમાં નવ અને જાહેર શૌચાલય સફાઇમાં પાંચ શહેરોનું ગુણાંકન ઘટ્યું છે. એટલે કે, સ્વચ્છ સર્વેક્ષણ-2022ની ટકાવારી કરતાં 2023માં આ રેશિયો ઘટ્યો છે. એમાંય ચાર શહેરો એવાં છે કે જ્યાં ડોર ટુ ડોર કચરો, રહેણાંક અને માર્કેટ સફાઈનો રેશિયો 50%થી પણ ઓછો છે. જેમાં મોરબી, પોરબંદર, વેરાવળ અને ગાંધીધામનો સમાવેશ થાય છે. સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ડોર ટુ ડોર કચરો 27%, રહેણાંક સફાઇ 42% અને માર્કેટ સફાઈ 43% સાથે રાજ્યમાં 17મા ક્રમે છે.