ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.25
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે 2020માં અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ગરબડ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવાયા હતા. પુતિને એમ પણ કહ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ 2020માં અમેરિકાના પ્રમુખ બની ગયા હોત તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ન થયું હોત.
પુતિને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું ટ્રમ્પ સાથે સંમત છું કે જો 2020માં ટ્રમ્પ પ્રમુખ બન્યા હોત તો કદાચ યુક્રેનમાં જે કટોકટીની સ્થિતિ સર્જાઈ તે ન સર્જાઈ હોત.” ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પણ સતત એવો દાવો કરતા રહ્યા છે કે 2020ની અમેરિકન પ્રમુખ પદની ચૂંટણીમાં જનાધારની “ચોરી” અને “ગેરરીતિ” કરવામાં આવી હતી જેમાં રિપબ્લિકન પાર્ટીની હાર ગઈ હતી.
રશિયાના પ્રમુખે ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્ર્વિક મુદ્દાઓને હેન્ડલ કરવાની ક્ષમતાની પ્રશંસા કરી. તેમને સ્માર્ટ અને વ્યવહારુ ગણાવતાં પુતિને કહ્યું, “હું એવી કલ્પના પણ નથી કરી શકતો કે એવા નિર્ણયો લેવાશે જે અમેરિકન અર્થતંત્ર માટે નુકસાનકારક સાબિત થાય.” આ સાથે પુતિને કહ્યું કે તેલના ભાવમાં વધઘટ રશિયા અને અમેરિકા બંને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.ટ્રમ્પ માત્ર એક સ્માર્ટ વ્યક્તિ નથી, પરંતુ વ્યવહારુ પણ છે.